રિપોર્ટ@ગુજરાત: વિધાનસભામાં આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો

 
હંગામો

કોંગ્રેસના 3 ધારાસભ્યોને આજે આ મામલે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે હોબાળાની સ્થિતિ જોવા મળી. વિપક્ષી નેતાઓ દ્વારા ફરી એકવાર આજે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ઉચ્ચ શિક્ષણમાં અનુસૂચિત જનજાતિ માટે શિષ્યવૃતિ ફરી શરૂ કરવાની માગ કરી હતી, જેને મેનેજમેન્ટ ક્વૉટામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે 2024થી બંધ કરવામાં આવી હતી. આ વાતને લઇને કોંગ્રેસના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્યોએ અનુસૂચિત જનજાતિના કોંગ્રેસના 3 ધારાસભ્યોને આજે આ મામલે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, આપ ધારાસભ્ય ચૈતર વસાવાને પણ આજના દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કોંગ્રેસે આજે વિધાનસભા ગૃહમાંથી વૉકઆઉટ કરી દીધુ હતુ. આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં આદિવાસી સમાજની બંધ કરવામાં આવેલી સ્કૉલરશીપ મુદ્દે હંગામો થયો હતો. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. આ ધારાસભ્યો વિધાનસભા ગૃહની બહાર સરકાર વિરોધી સુત્રોચાર ચાલુ કર્યા હતા અને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું.

આદિવાસી સમાજના વિધાર્થીઓની સ્કૉલરશીપ મુદ્દે ધારાસભ્ય ડૉ તુષાર ચૌધરીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી. આ સ્કૉલરશીપ મેનેજમેન્ટ ક્વૉટામાં આપવામાં આવતી હતી જે હવે રાજ્ય સરકાર દ્વારા એક ઠરાવ કરીને બંધ કરી દીધી છે. આ યોજના મુદ્દે પ્રશ્ન પૂછ્યો તો સરકારે જવાબ ન આપ્યો અને વાર્તા કરી. અમારી માંગ હતી કે જવાબ આપો કે યોજના ફરી ચાલુ કરવા માંગો છો કે નહીં.

આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, ભાજપની આ સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ આ યોજનામાં બંધ કરવા માટે ઠરાવ કર્યો હતો. અમારી માંગ છે કે આદિવાસીઓ સમાજની આ શિષ્યવૃત્તિ ચાલુ કરાવવાના આવે. આ આદિવાસી વિરોધી ભાજપ સરકારને શું જરૂર પડી કે આદિવાસીઓની શિક્ષણની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી.