રિપોર્ટ@ગુજરાત: કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યો 15 અબજ 70 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ

 
ગોહિલ
માનીતાઓને મિલકત પધરાવીને કરોડો રૂપિયા પેદા કરીને ભ્રષ્ટાચાર કર્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે GIDC માં પ્રથમ તબક્કે 3 અબજ 50 કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં 12 અબજ 20 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.ભારતીય જનતા પાર્ટીના જીઆઈડીસીમાં પ્રથમ તબક્કે 3 અબજ 50 કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં 12 અબજ 20 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવા અને સિલસિલાબંધ હકીકતો  આપતા તેઓએ જણાવ્યું કે, અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની ભાજપ સરકાર અણઆવડત અને ભયંકર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે.

ભૂતકાળની કોંગ્રેસ સરકારમાં અનેક અવિકસિત વિસ્તારમાં નાની મોટી GIDC પૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બનાવવામાં આવી હતી. આવા પ્રકારની GIDC બનવાના કારણે અનેક નાના ઉદ્યોગકારો તથા વિશ્વકર્મા સમાજના ભાઈઓને ઉદ્યોગ કરવા માટેની તકો મળી અને સ્થાનિકોને રોજી પણ મળી હતી.ભાજપ સરકારે આ GIDC નો લાભ આપવા કે સંતુલિત વિકાસ કે નાના માણસોને ફાયદા કરવાના બદલે હેતુફેર કરી કરીને માનીતાઓને મિલકત પધરાવીને કરોડો રૂપિયા પેદા કરીને ભ્રષ્ટાચાર કર્યો છે, તેનો એક ખૂબ મોટો કિસ્સો આજે બહાર આવ્યો છે.

GIDC ને અવિકસિત વિસ્તારમાં સ્થાપીને નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે પ્લોટ જંત્રી/ઔદ્યોગિક દરથી આપવામાં આવતા હતા. જ્યારે GIDC વિકસિત બને અને 90 ટકા પ્લોટ ફળવાય ત્યારે એ GIDC ને સેચ્યુરેટેડ (સંતૃપ્ત ઝોન) તરીકે જાહેર કરવાની એક સ્થાપિત નીતિ ગુજરાતમાં રહી છે. આવા સેચ્યુરેટેડ ઝોનમાં બેઠા ભાવે નહીં, પરંતુ જે ઔદ્યોગિક ભાવ એ જંત્રીનો ભાવ હોય તેમાં 20 ટકા ઉમેરીને બાદમાં જાહેર હરાજીથી જ પ્લોટ ફાળવી શકાય.ભ્રષ્ટાચાર માટેના ષડયંત્રની શરૂઆત એ રીતે થાય છે કે 24 એપ્રિલ, 2023 ના રોજ દહેજ અને સાયખામાં કેમિકલ ઝોનમાં જમીનના પ્લોટ ફાળવવા માટે GIDC દ્વારા અરજીઓ મંગાવવામાં આવી અને ત્યાંનો બેઠો ભાવ રૂ. 2,845 પ્રતિ ચો.મી. છે. અરજી મંગાવ્યા બાદ 27 જુલાઈ, 2023 ના રોજ એક પરિપત્ર એટલે કે માત્ર ત્રણ મહિનામાં જ પરિપત્ર કરીને GIDC એ કહ્યું કે, નિગમની 518 મી નિયામક મંડળની સભામાં નક્કી થયું છે કે દહેજ અને સાયખાએ સેચ્યુરેટેડ ઝોનમાં ગણવો.

ઉપરાંત હવે જે કોઈ જંત્રી/ઔદ્યોગિક દર છે તેમાં 20 ટકા ઉમેરીને પછી જાહેર હરાજીથી જ પ્લોટ ફળવાશે તથા નિયમ મુજબ સંપૂર્ણ કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી લેનારને નામે પ્લોટ તબદીલ થશે નહીં.આ પ્રકારનો પરિપત્ર કર્યા બાદ જે જૂની અરજી આવી હતી એ બધા સાથે ખૂબ મોટાપાયે વાટાઘાટો અને વહીવટ થયા બાદ જે ભ્રષ્ટાચારનું ષડયંત્ર બન્યું તે એ મુજબ છે કે, જો હરાજી કરવામાં આવે તો આ વિસ્તારમાં એક ચો.મી.ના ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા ઊભા થાય તેવી પરિસ્થિતિ છે. થોડા સમય પહેલાં એટલે કે એક વર્ષ પહેલાં એશિયન પેઈન્ટ્સ દ્વારા આ જ વિસ્તારમાં પ્લોટ ખરીદવામાં આવ્યો તેની કિંમત રૂ. 8 હજારથી વધારે તેને ચૂકવવી પડી હતી.

દહેજ અને સાયખા કરતાં વધારે અંદર આવેલા અને પૂરતી સુવિધા નહીં ધરાવતા વિસ્તાર એવા ઝઘડિયા અને પાનોલીમાં પણ 6,000 થી 7,500 હજાર રૂપિયાનો ભાવ કેમિકલ ઝોનમાં પ્લોટનો 2022માં હરાજીમાં સરકારને પ્રાપ્ત થયો હતો.અહીં હરાજી થાય તો ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા પ્રતિ ચો.મી.ના મળે. આ રીતે જો જાહેર હરાજી થાય તો જે પ્લોટની જમીનોની હરાજી કરવાની થાય છે તે 5 લાખ ચો.મી. અને બીજા ફેઝમાં 20 લાખ ચો.મી. જમીન આપવાની થાય. આમ સરકારને ખૂબ સારી આવક સરકારને થઈ શકે.