રીપોર્ટ@ગુજરાત: દેવભૂમિ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરતાં કોંગ્રેસનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી
મગફળીનું ખાલીખમ્મ ઝાંખરાનું પાર્સલ કુરિયર મારફતે મુખ્યમંત્રીને મોકલ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તદ્દન નહિવત્ વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં ભયાનક દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. અતિ વિકટ પરિસ્થિતિ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા દ્વારકા સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓને હજુ સુધી દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતાં ખેડૂતો અને રોષે ભરાયેલી કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને સાથે રાખીને નિષ્ફળ ગયેલા મગફળીના પાકના ખાલીખમ્મ ઝાંખરાનું પાર્સલ કુરિયર મારફતે સીધું મુખ્યમંત્રીને મોકલી આપવામાં આવ્યું છે.સમગ્ર દેશમાં આ વખતે સૌથી ઓછો માત્ર 16 ટકા વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયો છે. ચોમાસું નિષ્ફળ જતાં છેવાડાના આ જિલ્લાના ધરતીપુત્રોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. પાણીની તીવ્ર અછત અને મોસમ નિષ્ફળ જવાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. આમ છતાં, સરકાર દ્વારા દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી કે ખેડૂતોને મળવાપાત્ર કાયદેસરની સહાય કે વળતર ચૂકવવામાં આવ્યું નથી, જેને લઈને સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપ્યો છે.
આ વિરોધ પ્રદર્શન અંગે માહિતી આપતાં કિસાન નેતા પાલભાઈ આંબલીયાએ સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'સરકાર પાસે દુષ્કાળનો સરવે કરવાનો સમય નથી અને રાજ્યના કૃષિમંત્રી સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવામાં વ્યસ્ત છે. એટલા માટે જ અમે મુખ્યમંત્રીને મગફળીના આખા નમૂના મોકલી રહ્યા છીએ જેથી તેઓ પરિસ્થિતિ સમજી શકે.'
આ સાથે તેમણે માંગ કરી હતી કે દેવભૂમિ દ્વારકા ઉપરાંત જામનગર અને પોરબંદર જેવા અસરગ્રસ્ત જિલ્લાઓને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, ખેડૂતોના તમામ પાક ધિરાણ માફ કરવામાં આવે, પશુઓ માટે ઘાસચારા વિતરણ કેન્દ્રો શરૂ કરાય, સૌની યોજના અંતર્ગત જિલ્લાના ડેમો ભરાય અને તાકીદે રાહત કામગીરી શરૂ કરવામાં આવે.કોંગ્રેસ અને કિસાન નેતાઓએ રાજ્ય સરકારને ચીમકી આપતાં જણાવ્યું છે કે જો આગામી 30મી ઓક્ટોબર સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને યોગ્ય વળતર તથા સહાય પૂરી પાડવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં સમગ્ર જિલ્લામાં વ્યાપક અને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

