રીપોર્ટ@ગુજરાત: નર્મદા વિભાગમાં 353 અધિકારીઓની એકસાથે બદલીથી ખળભળાટ
સરકારનાં મોટા ટ્રાન્સફરને પગલે સચિવાલય અને અધિકારીઓમાં દોડધામ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત સરકારના નર્મદા, જળસંપતિ, કલ્પસર અને પાણી પુરવઠા વિભાગમાં એકસાથે 353 ટેક્નિકલ અને વહીવટી અધિકારીઓના ટ્રાન્સફરનો આદેશ આપ્યો છે. સરકારનાં મોટા ટ્રાન્સફરને પગલે સચિવાલય અને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે.સરકારી યાદી પ્રમાણે, વિભાગીય કામગીરીને વધારે અસરકારક અને પારદર્શક બનાવવા માટે વર્ગ 2 અને 3ના મુખ્ય ટેક્નિકલ સ્ટાફની બદલીઓ કરાઈ છે. જેમાં મુખ્યત્વે મદદનીશ ઈજનેર-સિવિલ, નાયબ કાર્યપાલક ઈજનેર-સિવિલ, અધિક મદદનીશ ઈજનેરનો સમાવેશ થાય છે.
આ ટ્રાન્સફર બે આધારે કરવામાં આવેલ છે. જેમાં કેટલાક કર્મચારીઓની સ્વવિનંતિના આધારે કરાઈ છે. જ્યારે મોટાભાગના અધિકારીઓની બદલી જાહેર હિત અને વહીવટી જરુરિયાતને ધ્યાને રાખીને કરાઈ છે. આ વહીવટી ફેરફાર હેઠળ સમગ્ર ગુજરાતના મુખ્ય સર્કલ અને કચેરીઓને આવરી લેવામાં આવી છે. ગાંધીનગર, વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ જ્યારે અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી, વલસાડ, દાહોદ, ભૂજ, સુરેન્દ્રનગર અને હિમતનગરનો સમાવેશ થાય છે.
નર્મદા અને જળસંપતિ વિભાગ દ્વારા બદલી પામેલા 353 કર્મચારીઓ માટે કડક માર્ગદર્શિકા જારી કરાઈ છે. તમામ અધિકારીઓએ પોતાનો વર્તમાન ચાર્જ છોડીને નવી નિયુક્તિની જગ્યાએ હાજર થવું પડશે. જ્યારે રિલીવિંગ પ્રક્રિયા, ચાર્જ હસ્તાંતરણ અને સર્વિસ રેકોર્ડ સબમિટ કરવાની કામગીરી નિયત સમયમાં જ પૂર્ણ કરવાની રહેશે.

