રીપોર્ટ@ગુજરાત: કંડલા પોર્ટ પર બનશે દેશનો પહેલો ઈ-મેથનોલ પ્લાન્ટ, રૂ.2,300 કરોડનું રોકાણ

 
ઉદ્ઘાટના
આ પ્રોજેક્ટ ગુજરાતની સાથે આસામ માટે પણ મહત્વપૂર્ણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના કંડલા ખાતે દેશનો પહેલો Port-Based E-Methanol Plant સ્થાપિત કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે કુલ રૂ.2,300 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ પ્લાન્ટ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોને સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઈંધણ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કંડલાના દીનદયાલ પોર્ટ ખાતે સ્થાપિત થનારા આ પ્લાન્ટને ગ્રીન ફ્યુઅલના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે.

દિનદયાલ પોર્ટ પ્રાધિકરણ અને Assam Petro-Chemicals Limitedના સંયુક્ત સાહસ હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. પ્લાન્ટની કુલ ઉત્પાદન ક્ષમતા દરરોજ 150 ટન ઈ-મેથનોલ રહેશે.કેન્દ્ર સરકાર દ્વારા મેરિટાઇમ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે કંડલા ખાતેની સ્થાપના કરવામાં આવી રહી છે. આ પ્લાન્ટથી તૈયાર થનાર ઈ-મેથનોલનો ઉપયોગ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોમાં ગ્રીન ફ્યુઅલ તરીકે થઈ શકશે.કંડલા પોર્ટ ભારતના મહત્વપૂર્ણ બંદરોમાંનું એક છે અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે તેનું વ્યૂહાત્મક મહત્વ છે. એશિયા-યુરોપ ટ્રેડ રૂટ પર ચાલતા જહાજોને અહીંથી સ્વચ્છ ઈંધણ ઉપલબ્ધ કરાવવાથી ભારત ગ્રીન શિપિંગ ક્ષેત્રમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી શકે છે.

આ સમગ્ર Port-Based E-Methanol Plant પ્રોજેક્ટને બે તબક્કામાં વિકસાવવામાં આવશે. કુલ પ્રોજેક્ટ ખર્ચ લગભગ રૂ.2,300 કરોડ નક્કી કરવામાં આવ્યો છે.પ્રથમ તબક્કામાં લગભગ 1,200 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ તબક્કામાં દરરોજ 50 ટન ઈ-મેથનોલનું ઉત્પાદન કરવાની ક્ષમતા ઊભી કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું કામ જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો છે.ત્યારબાદ બીજા તબક્કામાં વધુ 1,100 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ તબક્કામાં દરરોજ 100 ટનની વધારાની ઉત્પાદન ક્ષમતા ઊભી કરવામાં આવશે. બીજા તબક્કાનું કામ માર્ચ 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો છે.

બંને તબક્કા પૂર્ણ થયા બાદ પ્લાન્ટની કુલ ઉત્પાદન ક્ષમતા દરરોજ 150 ટન સુધી પહોંચી જશે.આ પ્લાન્ટની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા તેની ઉત્પાદન પ્રક્રિયા છે. સત્તાવાર માહિતી અનુસાર ઈ-મેથનોલ બનાવવા માટે Renewable Energy, Water અને Biogenic CO2નો ઉપયોગ કરવામાં આવશે. પ્લાન્ટમાં રીન્યુએબલ એનર્જીમાંથી મળતી વીજળી અને પાણીનો ઉપયોગ કરીને જરૂરી હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે. સાથે જ જૈવિક સ્ત્રોતોમાંથી મેળવવામાં આવેલા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે Biogenic CO2નો ઉપયોગ ઈ-મેથનોલના ઉત્પાદન માટે કરવામાં આવશે.આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ પરંપરાગત ફોસિલ ફ્યુઅલની સરખામણીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો છે. તેથી આ પ્રોજેક્ટને ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ભારત માટે આ પ્રોજેક્ટનું મહત્વ એટલા માટે પણ વધારે છે કે વૈશ્વિક સ્તરે શિપિંગ ઉદ્યોગમાં ગ્રીન ફ્યુઅલ અને લો-કાર્બન ઈંધણની માંગ વધી રહી છે. કંડલા પોર્ટ પર આવા ઈંધણનું ઉત્પાદન અને સપ્લાય શરૂ થવાથી ભારત ગ્રીન શિપિંગના વૈશ્વિક નકશા પર વધુ મહત્વપૂર્ણ સ્થાન મેળવી શકે છે.