રીપોર્ટ@ગુજરાત: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રોડનું કામ શરૂ કરાવવા બાબતે પદયાત્રા યોજી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જુનારાજના રોડનું કામ શરૂ કરાવવા માટે વહેલી સવારથી જુનારાજ ગામથી પદયાત્રા શરૂ કરી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગામ જુનારાજમાં આઝાદીના 78 વર્ષ બાદ પણ રોડ ન બનતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ જુનારાજ ગામથી પદયાત્રા યોજી હતી. ચૈતર વસાવાએ ઐતિહાસિક પૌરાણીક, પર્યટક ગામ જુનારાજ, ઉપલા જુનારાજ, વેરિસાલ, પાંચખાડી, કમોંદીયા,દેવહાત્રા જવા રોડ બનાવવા માટે પદયાત્રા શરૂ કરી હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
પદયાત્રા કર્યા બાદ ચૈતર વસાવાએ નર્મદાના નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર આપ્યું હતું. પત્રમાં ચૈતર વસાવાએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, અહીં વર્ષોથી જીતગઢથી જુનારાજને જોડતો રસ્તો છે. આજ રસ્તે, નીચલું જુનારાજ, ઉપલુ જુનારાજ, વેરીસાલ, પાંચખાડી, કોમદીયા જેવા પરા-ગામ પણ આવેલા છે. જે રસ્તે 14 કિ.મી. ડામર રોડ મંજૂર થયેલ છે. ડી.બી.પટેલ- મેમર્સ દ્વારા તા.12/03/2024 ના રોજથી સ્ટ્રક્ચરની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ વન વિભાગ, કેવડીયા અને નર્મદાના નાયબ વન સંરક્ષક દ્વારા વાહનોને જપ્ત કરી કામગીરીને અટકાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, 'ફોરેસ્ટ NOC- પરવાનગી નથી મળી'.થોડા સમય પહેલા જે રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું તે રોડનું કામ અટકી પડતા હાલ ગ્રામજનોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભાજપના સાંસદ મનસુખ વસાવાની વાત પણ તંત્ર સાંભળી રહ્યું નથી. ત્યારે સવાલ એ થાય છે કે આ જ નર્મદા જીલ્લામાં આજ વન વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન તમામ પ્રોજેકટો, સાપુતારા- સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગ્રીન કોરિડોર, માલસામોટ ઈકો ટુરીઝ જેવા મોટા પ્રોજેક્ટોમાં રાતો-રાત મંજુરી આપી કામો થઈ જાય છે. અહીં લોકોની મૂળભૂત સુવિધાઓ માટે રસ્તા બને તો Forest Clearance માંગવામાં આવે છે આ વલણ ચલાવી લેવાય તેમ નથી. જેથી તાત્કાલિક અસરથી જીતગઢથી જુનારાજના ડામર રોડની કામગીરી ચાલુ કરાવામાં આવે એવી અમારી માંગણી છે. જો 15 દિવસમાં આ કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો અસર કરતાં તમામ ગામના લોકો ભેગા મળી તા.31/10/2025ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને રજુઆત કરવા કેવડીયા પહોંચીશું.