રિપોર્ટ@ગુજરાત: રાજીનામું આપ્યા બાદ ધર્મેન્દ્ર પ્રધાન પ્રથમ વખત સંસદ પહોંચ્યા, એક નિવેદને સૌને ચોંકાવ્યા

 
ધર્મેન્દ્ર પ્રધાન
"હું સ્ટ્રીટ ફાઇટર છું, એસી રૂમ એક્ટિવિસ્ટ નથી."

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ધર્મેન્દ્ર પ્રધાન પ્રથમ વખત સોમવારે સંસદ પહોંચ્યા ત્યારે તેમની પ્રતિક્રિયા ચર્ચાનો વિષય બની હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ સાથે થયેલી ટૂંકી વાતચીતમાં પ્રધાને કહ્યું કે, "હું સ્ટ્રીટ ફાઇટર છું, એસી રૂમ એક્ટિવિસ્ટ નથી." તેમના આ નિવેદનને રાજકીય વર્તુળોમાં ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.સંસદના કોરિડોરમાં જયરામ રમેશ ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા અને સહાનુભૂતિ વ્યક્ત કરતાં કહ્યું, "It Happens." તેના જવાબમાં પ્રધાને તરત જ કહ્યું, "કંઈ થયું નથી." ત્યારબાદ તેમણે ઉમેર્યું કે તેઓ સંઘર્ષમાંથી આગળ વધનારા નેતા છે અને સ્ટ્રીટ ફાઇટર તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે, એસી રૂમમાં બેસીને રાજકારણ કરનારા કાર્યકર્તા નથી.

રાજીનામા બાદ પ્રથમ વખત સંસદ પહોંચેલા ધર્મેન્દ્ર પ્રધાનનું NDAના સાંસદોએ ઉષ્માભેર સ્વાગત કર્યું. તેઓ સમગ્ર સમય દરમિયાન હસતા અને આત્મવિશ્વાસથી ભરેલા દેખાયા. એક સાંસદે ટિપ્પણી કરતાં કહ્યું કે, "આ પહેલીવાર છે જ્યારે કોઈ મંત્રીએ કોઈપણ વ્યક્તિગત આરોપ વગર રાજીનામું આપ્યું છે." આ ઘટનાએ ભાજપ માં તેમના પ્રત્યેનો વિશ્વાસ પણ સ્પષ્ટ કર્યો.

રાજીનામા બાદ પણ ભાજપે ધર્મેન્દ્ર પ્રધાનથી અંતર બનાવ્યું નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ભાજપના ટોચના નેતાઓએ શિક્ષણ ક્ષેત્રે તેમના સુધારાત્મક કાર્યની પ્રશંસા કરી હતી. પાર્ટીના નેતાઓનું માનવું છે કે આ રાજીનામું તેમની વિશ્વસનીયતા ઘટવાની નિશાની નથી, પરંતુ રાજકીય જવાબદારી, બલિદાન અને રાષ્ટ્રીય હિત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, તેમનો આત્મવિશ્વાસ યથાવત છે અને તેઓ નવી જવાબદારી માટે તૈયાર છે.

રાજકીય ચર્ચાઓ મુજબ તેમને ભાજપના સંગઠનમાં મહત્વની ભૂમિકા સોંપવામાં આવી શકે છે અથવા આગામી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના મુખ્ય વ્યૂહકાર તરીકે જવાબદારી આપવામાં આવી શકે છે. તેઓ અગાઉ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ ચૂંટણી પ્રભારી તરીકે સફળ કામગીરી કરી ચૂક્યા છે. તેમના રાજીનામા છતાં પાર્ટીમાં તેમનું રાજકીય મહત્વ અને પ્રભાવ યથાવત હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.