રીપોર્ટ@ગુજરાત: DyCM હર્ષભાઈ સંઘવીએ વિધાનસભામાં કરી જાહેરાત, લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહમતિ ફરજિયાત

 
હર્ષ સંઘવી
સુધારા માટે વાંધા સૂચનો 30 દિવસ સુધી લેવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષાભાઈ સંઘવીએ લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારાની જાહેરાત કરી છે. જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ આ ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ સામાજિક સુરક્ષા અને પારિવારિક મૂલ્યોને જાળવી રાખવાનો છે.ગુજરાત સરકાર દ્વારા સામાજિક સુરક્ષાને ધ્યાને રાખી ‘ગુજરાત રજીસ્ટ્રેશન મેરેજ એક્ટ’માં ક્રાંતિકારી સુધારા ઈડનરાત કરવામાં આવી છે. આ નવા નિયમો મુજબ, હવે રાજ્યમાં કોઈપણ લગ્નની સત્તાવાર નોંધણી કરાવવા માટે નવદંપતીએ તેમના માતા-પિતાની લેખિત પરવાનગી રજૂ કરવી ફરજિયાત રહેશે.

આ નીતિગત ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્નોમાં પારિવારિક સહમતિને પ્રાધાન્ય આપવાનો અને છેતરપિંડીના કિસ્સાઓ રોકવાનો છે. હાલમાં આ સુધારાના અમલીકરણ પૂર્વે સરકારે લોકશાહી અભિગમ અપનાવીને સામાન્ય નાગરિકો પાસેથી આગામી 30 દિવસ સુધી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. જનતા તરફથી કોઈ તાર્કિક કે વ્યાજબી મંતવ્યો પ્રાપ્ત થશે, તો તેને આખરી કાયદાકીય પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે.ગુજરાત વિધાનસભામાં લગ્ન નોંધણીના નવા નિયમો રજૂ કરતી વખતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સરકારનો અભિગમ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આ સુધારા કોઈ પણ વ્યક્તિના વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર તરાપ નથી, પરંતુ દીકરીઓની સુરક્ષા માટેનું એક કવચ છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સરકાર પ્રેમલગ્નની વિરોધી નથી, પરંતુ પ્રેમની આડમાં જે અસામાજિક તત્વો દીકરીઓનો ગેરફાયદો ઉઠાવે છે, તેમની સામે આ કાયદાકીય કડકાઈ અનિવાર્ય છે.

આ નીતિગત નિર્ણય લેતા પહેલા અનેક સામાજિક સંગઠનો અને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે વિસ્તૃત બેઠકો યોજીને તેમના મૂલ્યવાન સૂચનો લેવામાં આવ્યા હતા. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એવી પરિસ્થિતિઓને રોકવાનો છે જેમાં ભોળી દીકરીઓને ફસાવીને તેમનું શોષણ કરવામાં આવતું હોય, અને આ નવા નિયમો તે દિશામાં એક મજબૂત અવરોધ તરીકે કામ કરશે.ગુજરાત વિધાનસભાના મંચ પરથી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ‘લવ જેહાદ’ જેવી ગંભીર સામાજિક સમસ્યા સામે અત્યંત કડક શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે. તેમણે પૌરાણિક સંદર્ભ આપતા જણાવ્યું કે, જે રીતે રાવણે સાધુનો વેશ ધારણ કરી છળ-કપટથી સીતાજીનું હરણ કર્યું હતું, તે જ રીતે આજના સમયમાં કેટલાક તત્વો પોતાની સાચી ઓળખ છુપાવી દીકરીઓને શિકાર બનાવી રહ્યા છે.