રીપોર્ટ@ગુજરાત: રાજકોટમાં ફરી ધરા ધ્રુજી, ઉપલેટા-જેતપુરમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ફફડાટ

 
ભૂકંપ

ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 29 કિલોમીટર દૂર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં મોડી રાત્રે ધરતી ધ્રૂજી ઉઠતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રિના શાંત વાતાવરણમાં 2:38 કલાકે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગના અહેવાલ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 29 કિલોમીટર દૂર પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશામાં, જેતપુર નજીકના પેઢલા ગામ પાસે નોંધાયું હતું.

ભૂકંપની તીવ્રતા 3ની માપવામાં આવી હતી. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર 6.3 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે અચાનક અનુભવાયેલા આ આંચકાને પગલે ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. વહીવટી તંત્ર દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.