રિપોર્ટ@ગુજરાત: શાળાઓના પ્રવાસ અંગે શિક્ષણ વિભાગે જાહેર કરી નવી ગાઇડલાઇન, જાણો વિગતે
હરણીબોટકાંડ પછી રાજ્યની સ્કૂલોમાં પ્રવાસ આયોજન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિવાળી બાદ મોટાભાગની શાળાઓમાં પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. હરણીબોટ કાંડ બાદ રાજ્યમાં શાળાઓના પ્રવાસ ઉપર શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને શાળાઓ દ્વારા સુરક્ષા સાથે પ્રવાસ યોજાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે અને આગામી ત્રણ દિવસમાં તે જાહેર કરવામાં આવશે.રાજ્યની સ્કૂલોમાં 2024-25નું શૈક્ષણિક સત્ર જૂન મહિનાથી શરૂ થયું છે.
મોટાભાગની સ્કૂલોમાં દિવાળી બાદ વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવામાં આવે છે, પરંતુ વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને લઈ જવાતા પ્રવાસ પર રોક લગાવી છે. પ્રવાસ લઈ જવા માટે બનાવેલા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી.શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા માટેની નવી ગાઈડલાઈન બનાવવામાં આવી છે. નવી ગાઈડલાઈન બનાવીને સરકારને આપવામાં આવી છે.
સરકાર દ્વારા ગાઈડલાઈનમાં જરૂરી સુધારા-વધારા કરી આગામી 3 દિવસમાં પ્રવાસ માટેની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે વડોદરામાં હરણીબોટકાંડ પછી રાજ્યની સ્કૂલોમાં પ્રવાસ આયોજન પર પ્રતિબંધન મુકવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન અનેક શાળાઓએ નિયમોનું અનાદર કરીને પ્રવાસ ગોઠવ્યા હતા. શાળાઓની મનમાનીને લઈને શિક્ષણવિભાગે પ્રવાસના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવી ગાઈડલાઈન મુજબ જો નિયમનું ઉલ્લંઘન કરાશે તો, શાળાની એનઓસી રદ કરવા સુધીની કાર્યવાહી થાય તેવી જોગવાઈ હોવાની ચર્ચા જોવા મળી હતી.