રીપોર્ટ@ગુજરાત: ગ્રાન્ટેડ શાળાઓ માટે શિક્ષણ વિભાગે લીધો કડક નિર્ણય, હાજરી ઓછી હશે તો 100% ગ્રાન્ટ કપાશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અંગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે ગ્રાન્ટ અને લઘુમતી શાળા સહિત ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી હશે તો ગ્રાન્ટ કાપી લેવાશે. ગ્રામ્યમાં 55 ટકા તો શહેરી વિસ્તારમાં 80 ટકા વિધાર્થીઓની હાજરી શાળામાં ફરજિયાત કરી દેવામાં આવી છે. જો નવા ઠરાવ મુજબ હાજરી નહીં હોય તો સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાં કાપ મૂકવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રામ્યમાં 40 ટકાથી ઓછી અને શહેરમાં 60 ટકાથી ઓછી હાજરી હશે તો શાળાની 100 ટકા ગ્રાન્ટ કપાશે.
શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે શાળાનું શૈક્ષણિક કાર્ય નિયમિત અને અસરકારક રીતે થાય તથા શિક્ષણનું સ્તર ઊંચું આવે તે હેતુથી હાજરી બાબતે શાળાના સંચાલકો અને શિક્ષકો સતત પ્રત્યનશીલ રહે તે કારણે ગ્રાન્ટ કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાન્ટ અને લઘુમતી શાળા સહિત ગ્રાન્ટ ઈન એઈડ શાળા નવા ઠરાવ મુજબ જો ગ્રામ્યમાં 40 ટકાથી ઓછી હાજરી હશે તો 100 ટકા ગ્રાન્ટ કપાશે તેમજ શહેરોમાં 60 ટકાથી ઓછી હાજરીમાં 100 ટકા ગ્રાન્ટ કાપી નાખવામાં આવશે.
શહેરી વિસ્તારની શાળાઓમાં જયારે સરાસરી હાજરી તમામ વર્ગોમાં વિદ્યાર્થી પ્રવેશ સામે 80 ટકા હોય તો કોઈ ગ્રાન્ટકાપ આપવાનો રહેતો નથી પરંતુ જે કિસ્સામાં 75 થી 97 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 75 ટકા સામે દર્શાવેલ 25 ટકા ગ્રાન્ટકાપ, જે કિસ્સામાં 70 થી 74 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 70 ટકા સામે દર્શાવેલ 50 ટકા ગ્રાન્ટકાપ, જે કિસ્સામાં 65 થી 69 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 65 ટકા સામે દર્શાવેલ 75 ટકા ગ્રાન્ટકાપ અને જયાં 60 થી 64 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 60 ટકા સામે દર્શાવેલ 80 ટકા ગ્રાન્ટકાપ રહેશે. અને 60 ટકાથી નીચે ટકાવારી હોય ત્યારે 100 ટકા ગ્રાન્ટકાપ આપવાનો રહેશે.ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં જયારે સરાસરી હાજરી તમામ વર્ગોમાં વિદ્યાર્થી પ્રવેશ સામે 55 ટકા હોય તો કોઈ ગ્રાન્ટકાપ આપવાનો રહેતો નથી પરંતુ જે કિસ્સામાં 50 થી 54 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 50 ટકા સામે દર્શાવેલ 25 ટકા ગ્રાન્ટ કાપ, જે કિસ્સામાં 45 થી 49 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 45 ટકા સામે દર્શાવેલ 50 ટકા ગ્રાન્ટકાપ, જે કિસ્સામાં 40 થી 44 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 40 ટકા સામે દર્શાવેલ 75 ટકા ગ્રાન્ટકાપ અને જ્યાં 40 ટકાથી નીચે ટકાવારી હોય ત્યારે 100 ટકા ગ્રાન્ટકાપ કરવાનો રહેશે.

