રીપોર્ટ@ગુજરાત: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' દર્શાવતી શાળાઓને લઈને શિક્ષણમંત્રીનું મોટું નિવેદન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજયભરમાં શિક્ષકદિનની ઉજવણી વચ્ચે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ શિક્ષકોના સન્માન અને શૈક્ષણિક સુધારા સંદર્ભે મહત્વના નિવેદનો આપ્યા છે. શિક્ષક દિવસ નિમિત્તે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપીને બહુમાનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે માનવ જીવનમાં શિક્ષકનું સ્થાન અને મહત્વ અત્યંત અનેરું છે.સમાજને શ્રેષ્ઠ અને જવાબદાર નાગરિકો આપવાનું પાયાનું કાર્ય શિક્ષકો જ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અને નવી ભરતીઓ અંગે બોલતાં શિક્ષણ મંત્રીએ ઉમેદવારો માટે મોટી રાહતના સમાચાર આપ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યમાં ટૂંક સમયમાં જ વિદ્યાસહાયકોની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ચિત્ર અને સંગીત શિક્ષકોની ભરતી અંગે લાંબા સમયથી ચાલી રહેલી માગણી સંદર્ભે તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી રહી છે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
બીજી તરફ દાહોદ અને અમદાવાદ સહિતની શાળાઓમાં સામે આવેલા 'ભૂતિયા વિદ્યાર્થીઓ' દર્શાવવાના કૌભાંડો અંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આક્રમક વલણ અપનાવ્યું હતું. આવી ગેરરીતિ આચરતી શાળાઓ અંગે ફરિયાદો મળતાં જ જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી વિગતવાર રિપોર્ટ મગાવવામાં આવી રહ્યો છે. શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે આગામી ટૂંક જ સમયમાં આવી શાળાઓ સામે ઉદાહરણરૂપ અને દેખાય તેવી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

