રીપોર્ટ@ગુજરાત: પેટલાદમાં ચૂંટણી કર્મચારીનું મોત, અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી

 
ચૂંટણી
તાપીમાં ભાજપના બે જૂથો વચ્ચે ઘર્ષણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આણંદ જિલ્લાના પેટલાદમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક કરુણ ઘટના બની હતી, જેમાં ચૂંટણીની ફરજ પર તૈનાત પોલિંગ સ્ટાફના કર્મચારી અમિતભાઈ સોલંકીનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું હતું. સાંસેજ ગામે બુથ નંબર - 1 પરના મતદાન મથક પર કામગીરી દરમિયાન અચાનક તબિયત બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. લોકશાહીના પર્વમાં પોતાની ફરજ બજાવતા કર્મચારીના અચાનક અવસાનથી સાથી કર્મચારીઓ અને પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક અથડામણ થતા વાતાવરણ ગરમાયું હતું. પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ અને જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અમિત પટેલના સમર્થકો વચ્ચે થયેલી આ તું-તું મેં-મેંના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં પૂર્વ મંત્રી જાહેરમાં અપશબ્દો બોલતા નજરે પડે છે. આ ઘટનાને પગલે ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. મામલો બિચકતા વાલોડ પોલીસ અને ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

અમદાવાદના કુબેરનગર વોર્ડમાં વીવી તોમર સ્કૂલના મતદાન મથક પર ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. પોલીસકર્મીઓએ વચ્ચે પડી માંડ મામલો થાળે પાડ્યો હતો. કચ્છ જિલ્લામાં પણ ચૂંટણી તંત્રની બેદરકારી સામે આવી છે. અહીં ભુજ શહેરના મતદારોએ બુથ શોધવા ફાંફા મારવા પડી ગયા હતા. સ્પષ્ટ માહિતીના અભાવે આવી હાલત થઈ હતી. યાદીમાં નામ હોવા છતાં મતદાન મથકની યોગ્ય વિગતો ન હોવાથી મતદારોમાં રોષ દેખાયો.