રીપોર્ટ@ગુજરાત: ઈજનેર દંપતિની વાત, બબલીને નોકરીએ મૂકવા બંટી સાહેબ ઓફિસમાંથી રોજ ગાયબ

 
Riport
સાહેબ નોકરીમાંથી ગુલ્લીબાજ બને છે પરંતુ કોઈને ગંધ આવતી નથી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ગુજરાતમાં અનેક જગ્યાએ પતિ પત્ની નોકરી કરતાં હોય તેવા ઘણાં છે પરંતુ આ બંટી બબલીનો કિસ્સો અને ઘટનાક્રમ ખૂબ રસપ્રદ છે. રસપ્રદ કરતાં તો ચોંકાવનારો વધારે છે. ઈજનેર તરીકે નોકરી કરતાં બંટી બબલીને ટૂંકા ગાળામાં આંખ મળી જતાં સામાજિક રીતે લગ્ન કરી લીધા હતા. હવે લગ્ન પછી થોડા સમય એક જ જિલ્લામાં નોકરી રહી પરંતુ અચાનક બબલી મેડમની બદલી અન્ય જિલ્લામાં થઈ ગઈ. બસ અહિંથી શરૂ થઈ નોકરીના સમયની ચોરી અને ગુલ્લી મારવાનો સિલસિલો. છેલ્લા ઘણાં સમયથી બંટી સાહેબ ઓફિસમાંથી ગાયબ રહે છે અને જો કોઈ કચેરીમાં આવે તો સ્ટાફ પણ કેવો જવાબ આપે કે, બંટી સાહેબની ગુલ્લી પકડાય નહિ. અઠવાડિયામાં મોટાભાગના દિવસોમાં બબલીને નોકરીએ મૂકવા અને લેવા ઈજનેર બંટી સાહેબ ફુલ સમય આપે છે. જાણીએ ઈજનેર દંપતિની સેવાનો રીપોર્ટ.


ગુજરાતના એક જિલ્લામાં વર્ગ 3 અને વર્ગ 2 પદે ઈજનેર આલમમાં નોકરી કરતાં કરતાં પુરુષ અને મહિલા આખરે લગ્ન સુધી પહોંચી ગયા હતા. લગ્ન પછી થોડા સમય એક જ જિલ્લામાં નોકરી રહી ત્યાં સુધી બધું બરોબર સચવાયું પરંતુ નવી નવી નોકરી અને નવા નવા લગ્ન હોઈ બબલી મેડમની અચાનક થોડાં દૂરના જિલ્લામાં બદલી થઇ ગઈ. આ બદલી રોકવા અને ગૃહ જિલ્લામાં પોતાની પત્નીને રાખવા બંટી સાહેબે એડીચોટીનું જોર લગાવ્યું હતુ. જોકે કોઈ કરામત કામે ના આવી અને આખરે બબલી મેડમને દૂર જવું પડ્યું પરંતુ અપડાઉન કરવા મોટો જુગાડ કર્યો છે. બંટી સાહેબ છેલ્લા કેટલાક સમયથી પ્રિયતમાને કારમા નોકરીએ મૂકવા અને લેવા જાય છે. આ દરમ્યાન બંટી સાહેબ નોકરીમાંથી ગુલ્લીબાજ બને છે પરંતુ કોઈને ગંધ આવતી નથી. કેમ કે, બંટી સાહેબને એક જગ્યાએ રેગ્યુલર અને બીજી જગ્યાએ ચાર્જ હોવાથી જો કોઈ કચેરીમાં આવે તો જવાબ પણ જબરો મળે છે. જો કોઈ રેગ્યુલર વાળી જગ્યાએ જાય તો સ્ટાફ એવું કહે કે, ચાર્જવાળી જગ્યાએ છે અને જો કોઈ ચાર્જ વાળી જગ્યાએ જાય તો રેગ્યુલર કચેરીમાં છે એવું કહેવાય છે. વાંચો નીચેના ફકરામાં કેવી રીતે આંખે દેખાય.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હમણાં ઘણા સમયથી બંટી સાહેબના જિલ્લામાં કથિત કૌભાંડના અહેવાલો છપાઇ રહ્યા છે. બંટી સાહેબ પોતાની ઈજનેર પત્નીને અપડાઉનમા તકલીફ ના પડે તે માટે સ્વયં કાર ચલાવી સેવા આપે છે પરંતુ પોતાની સેવા ભૂલી જાય છે. હવે જો આ બંટી બબલીની વડી કચેરીના સાહેબ ઓચિંતી મુલાકાત લે અથવા બંટી સાહેબના તેમજ બબલી મેડમના લોકેશન તેઓના સાહેબો કઢાવે તો બધો ખેલ ઉઘાડો પડે તેમ છે. બંટી સાહેબ ઓફિસમાં જઈ શકતાં ના હોવાથી કચેરીનુ કામ ઘેરથી કરી રહ્યા છે. ફાઇલો ઘેર મંગાવી જરૂરી પ્રક્રિયા બંગલામાં બેસીને પૂર્ણ કરે છે અને જો કોઈ ખાનગી મિટિંગ મુલાકાતો હોય તો રજાના દિવસે કરી લે છે. જાણકારોના મતે, બબલીની અન્ય જિલ્લામાં ટ્રાન્સફર રોકવા બંટી સાહેબ મંત્રીજીને મળવા ગયા હતા પરંતુ મંત્રીજીએ ઉઘડો લીધો હતો. આગામી ઘટસ્ફોટ પછીના રીપોર્ટમાં જાણવા પ્રયાસ કરીશું.