રિપોર્ટ@ગુજરાત: સમગ્ર રાજ્ય ભઠ્ઠીની જેમ શેકાયું, હીટ રિલેટેડ ઈમરજન્સીના કેસોમાં ચિંતાજનક ઉછાળો

 
ગરમી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં સૂર્યદેવતા આકરી આંચ વરસાવી રહ્યા છે. આ કાળઝાળ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસરો જોવા મળી રહી છે. હીટ રિલેટેડ ઈમરજન્સીના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. 108 ઇમરજન્સી સેવાના સત્તાવાર આંકડાઓ મુજબ 1 મે થી 14 મે 2026 દરમિયાન માત્ર બે અઠવાડિયામાં જ રાજ્યમાં કુલ 1,311 હીટ રિલેટેડ ઈમરજન્સી કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ હાઈ ફિવરના હોવાનું સામે આવ્યું છે.

108ના ડેટા અનુસાર ગરમીને કારણે બીમાર પડેલા લોકોમાં સૌથી વધુ 1,124 કેસ હાઈ ફિવરના નોંધાયા છે. આ સિવાય હીટ ઈલનેસના 91, વોમિટિંગ અને ડાયરીયાના 59, અતિશય પેટના દુખાવાના 16 તેમજ બેભાન થઈ જવાના 6 ગંભીર કેસો નોંધાયા છે.પારો વધતાની સાથે જ અમદાવાદ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં સૌથી વધુ 264 ઈમરજન્સી કેસ નોંધાયા છે. ત્યારબાદ ડાયમંડ સિટી સુરતમાં 138, આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાં 68, દક્ષિણ ગુજરાતના વલસાડમાં 65 અને સરહદી જિલ્લા કચ્છમાં 58 કેસ સામે આવ્યા છે.

સાવચેતી જ બચાવઆ કટોકટીભરી સ્થિતિને જોતા તબીબોએ નાગરિકોને ખાસ સાવધ રહેવા અપીલ કરી છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે બપોરના 12 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન સીધા તડકામાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.