રીપોર્ટ@ગુજરાત: કોંગ્રેસના રાજકારણમાં રાજસ્થાનના 12 નેતાઓની એન્ટ્રી, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં જિલ્લા એકમોને પુનઃસંગઠિત કરવા અને સશક્ત કરવા માટે 43 અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ નિરીક્ષકો અને 183 પ્રદેશ કોંગ્રેસ સમિતિ નિરીક્ષકોની નિમણૂંક કરી છે. જે આગામી ચૂંટણી અને સંગઠનાત્મક તાકાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ વચ્ચે મોટી વાત એ છે કે, ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં રાજસ્થાનના 12 નેતાઓની એન્ટ્રી થઈ છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ નિરીક્ષકો જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પસંદગી અને નિમણૂંકની પ્રક્રિયા પર નજર રાખશે. દરેક જિલ્લામાં એક એઆઈસીસી નિરીક્ષક સાથે ચાર પીસીસી નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે.
AICC નિરીક્ષક આ જૂથના કન્વીનરની ભૂમિકા ભજવશે.રાજસ્થાનના કેટલાક વરિષ્ઠ નેતાઓને ગુજરાત મિશન હેઠળ AICC નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપાઈ છે. જેમાં હરીશ ચૌધરી, બાબુલાલ નાગર, અર્જુન બામણિયા, નીરજ ડાંગી, હરીશ ચંદ્ર મીણા, ભજનલાલ જાટવ, કુલદીપ ઈન્દોરા, ધીરજ ગુર્જર, ઈન્દિરા મીના, અમીન કાગજી અને જગદીશ જાગવર જેવા નેતાઓનો સમાવેશ થાય છે. આ તમામ આગેવાનો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જઈને સંગઠનને નવા આયામ આપવાનું કામ કરશે. માહિતી અનુસાર, આ નિરીક્ષકોની પ્રથમ બેઠક 15 એપ્રિલે અરવલ્લી જિલ્લામાં યોજાશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે.