રિપોર્ટ@ગુજરાત: સચિવાલયમાં નકલી અધિકારી ઝડપાયો, PM આવાસ યોજનાના નામે 3 કરોડની છેતરપિંડી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સચિવાલયના અધિકારી તરીકે ઓળખ આપી ગરીબોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના કિસ્સામાં પોલીસે એક ઠગને ઝડપ્યો છે. આ વ્યક્તિએ 250 લોકોને છેતર્યા છે. અને અંદાજે 3 કરોડ રૂપિયા ઓળાવી લીધા છે. આ પ્રકરણ મશહૂર ઠગ કિરણ પટેલના જેમ કંઈક સમાન લાગે છે.
વિરમસિંહ રાઠોડ નામના આ શખ્સે સચિવાલયના અધિકારી તરીકે પોતાની ઓળખ આપી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને લોકોને છેતરવાનો અનોખો ખેલ શરૂ કર્યો હતો. મકાનના રજિસ્ટ્રેશન માટે લોકો પાસેથી રૂ. 30થી 50 હજાર અને દસ્તાવેજ ફી માટે રૂ. 1.40 લાખથી 1.60 લાખ જેટલી રકમ વસુલવામાં આવી હતી. આ મકાન મેળવવા માટે ભારે ભાગ લેતી મહિલાઓ મુખ્ય ભોગ બનતી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે વિરમસિંહ બોપલમાં રહે છે. બીએ સુધીનો અભ્યાસ કરેલ છે અને જીપીએસસીની તૈયારી કરી રહ્યો હતો.
વિરમસિંહ ગરવી ગુજરાત પોર્ટલ પરથી મકાનના ખાલી સ્લોટનો ફોટો ઉતારી લોકોને મોકલતો હતો. તેમજ સોલા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં લોકો પાસેથી કાગળો પર સહી કરાવી રોકડ અને ઑનલાઈન પેમેન્ટ લઈ લેવાતા હતા. ચાણક્યપુરીમાં ભાડે લેવામાં આવેલી ઓફિસમાં એ લોકોને બોલાવતો અને પોતાની વાત પર વિશ્વાસ કરાવતો હતો. તેને છેતરપિંડીથી ભેગા કરેલા પૈસામાંથી ફૂડ કોર્ટ શરૂ કર્યો, જ્યાં રૂ. 60 લાખનું નુકસાન થયું. એ પછી ગૃહ ઉદ્યોગનો કોન્ટ્રાક્ટ મેળવવા પણ પ્રયત્ન કર્યો, જેમાં પણ રૂ. 30 લાખ ગુમાવ્યા.
તે સચિવાલયના અધિકારી તરીકે પોતાની ઓળખ આપી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં ગોઠવણ હોવાનું કહેતો. ડ્રો પછી મકાનની સબસિડીના લાભ માટે મહિલાઓના નામે મકાન બુક કરાવતો હતો.આ ઘોટાળાના કારણે ઘણા લોકો નુકસાનમાં આવ્યા છે. પોલીસ દ્વારા વિરમસિંહ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.