રીપોર્ટ@ગુજરાત: રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાના‌ AAPના નેતાઓ પર આકરા પ્રહાર, જાણો વિગતે

 
રાજુ કપરાડા
પક્ષ દ્વારા લોકોમાં જૂઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

AAPમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડા અને 'આપ'ના નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર તેજ બન્યો છે. તાજેતરમાં પક્ષના નેતા પ્રવીણ રામ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો પર રાજુ કરપડાએ આજે મૌન તોડતા સ્પષ્ટતા કરી છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે એવો દાવો કર્યો હતો કે રાજુ કરપડા જ્યારે જેલમાં હતા, ત્યારે ભાજપ વતી કેટલાક વ્યક્તિઓ અને નેતાઓ તેમની મુલાકાતે ગયા હતા અને ત્યાં જ પક્ષ પલટાનું આયોજન થયું હતું. આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા લોકોમાં ખોટી છબી ઊભી કરવા માટે આવા જૂઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે.

પોતાના જેલવાસના દિવસોને યાદ કરતા કરપડાએ જણાવ્યું કે, "મારા જેલવાસ દરમિયાન ભાજપનો કોઈ પણ નેતા કે વ્યક્તિ મને મળવા આવ્યો નથી. આ વાત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી છે." "જેલમાં મુલાકાત માટે માત્ર મારા પરિવારજનો જ આવતા હતા. જે પક્ષના નેતાઓ આજે આક્ષેપો કરી રહ્યા છે, તેમણે મુશ્કેલ સમયમાં કાયદાકીય મદદ તો દૂર, સાંત્વના આપવાની પણ તસ્દી લીધી નહોતી."રાજુ કરપડાએ ઉમેર્યું કે તેઓ ખેડૂતોના પ્રશ્નો માટે જેલમાં ગયા હતા અને જેલનો ડર બતાવીને તેમને નમાવી શકાય તેમ નથી. પક્ષ છોડવાનું કારણ ભાજપનું દબાણ નહીં પરંતુ 'આપ'ના આંતરિક માળખામાં રહેલી ખામીઓ અને નેતાઓનું અસહકારભર્યું વલણ છે. આ નિવેદન બાદ હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વની મુશ્કેલીઓ વધી શકે છે.