રીપોર્ટ@ગુજરાત: SIRની કામગીરી બાદ આજે ફાઇનલ મતદાર યાદી જાહેર, 4.40 કરોડ મતદારો નોંધાયા
3.95 લાખ નામ કમી કરાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનાથી આ SIRની કામગીરી ચાલી રહી હતી. જે બાદ આજે 17 ફેબ્રુઆરીએ ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સાથે જ મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ કાઢવા સબંધી હક્ક-વાંધા-દાવાઓ 19 ડિસેમ્બર, 2025થી 30 જાન્યુઆરી 2026 દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી,2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલ પણ કરવામાં આવ્યો હતો.રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યના તમામ નાગરિકો આ ઝુંબેશમાં અભૂતપૂર્વ સહકાર આપવા બદલ આભાર અને અભિનંદનના હકદાર છે.
મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે 34 જિલ્લા ચૂંટણી અધિકારી, 182 મતદાર નોંધણી અધિકારી, 855 સહાયક મતદાર નોંધણી અધિકારી, 50,963 BLO તથા અનેક સ્વંય સેવકોની સક્રિય સહભાગિતા રહી છે. રાજ્યના મતદારોનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે. મીડિયા, રાજકીય પક્ષો તથા અન્ય સંગઠનોનો પણ સહયોગ મળ્યો છે. જેના ફળ સ્વરૂપ નિયત સમયર્યાદામાં કુલ 5,08,43,436 મતદારો પૈકી 4,34,70,109 મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા હતા. આ તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું હતું.દરેક રાજકીય પક્ષને પણ આ મામલે અપીલ કરવામાં આવી છે. અને કહ્યું છે કે, દરેક પક્ષ આ બંને યાદીની બારીકાઇથી ચકાસણી કરે અને તા.18મી ફેબ્રુઆરી,2026 સુધીમાં જો કોઇ વાંધા-દાવા હોય તો નિયત પ્રક્રિયા અનુસરીને મતદારોને સહાયરૂપ બને.

