રીપોર્ટ@ગુજરાત: નવા સંગઠનની જાહેરાત બાદ આજે કમલમ ખાતે પ્રથમ બેઠકનું આયોજન, જાણો વિગતે

 
રાજકારણ
નવ નિયુક્ત તમામ પદાધિકારીઓએ આજે પદભાર સંભાળ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમા પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરાયા બાદ આજે કમલમ ખાતે પ્રથમ બેઠક યોજાઈ છે. આ બેઠકમાં સંગઠનમા સ્થાન પામેલા પદાધિકારીઓએ પોતાનું પદ સંભાળ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખે તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. નવા સંગઠનમાં જ્ઞાતિ આધારિત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જૂના અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ નવા સંગઠનની જાહેરાત બાદ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં આજે કમલમ ખાતે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપનું નવું સંગઠન જાહેર થયા બાદ અમદાવાદમાં કમલમ ખાતે આજે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવ નિયુક્ત તમામ પદાધિકારીઓએ આજે પદભાર સંભાળ્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખે તમામનું મોઢુ મીઠુ કરાવ્યું હતું. આજે વિવિધ મોરચાના પ્રમુખોએ પણ ચાર્જ સંભાળ્યો હતો. આજની બેઠકમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી છે.તમામ આગેવાનોનો પરિચય અને આગામી ચૂંટણીઓના રોડ મેપ અંગેની પણ ચર્ચાઓ કરવામાં આવી છે.

ભાજપના નવા સંગઠનમાં મહામંત્રી પદે નવા નામોની જાહેરાત કરવામાં આવી છે. અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ અને અજય બ્રહ્મભટ્ટ આ ત્રણેય નેતાઓ પર સંગઠનને મજબૂત કરવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નવા જાહેર થયેલા માળખામાં કુલ 10 ઉપપ્રમુખ અને 10 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ માળખામાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.