રીપોર્ટ@ગુજરાત: ઇતિહાસમાં સૌપ્રથમવાર એકસાથે એક મંચ પર 11હજારથી વધુ વકીલો લેશે શપથ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત બાર કાઉન્સીલ દ્વાર ઈતિહાસમાં સૌપ્રથમવાર એકસાથે એક મંચ પર 11,000થી વધુ એનરોલ થયેલા વકીલોના તેમના વ્યવસાયને લઈ સામૂહિક શપથનું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તો આ ઘટનાની નોંધ લેવાઈ ગઈ છે. તા 9મી માર્ચે એકસાથે 11 હજારથી વધુ વકીલોના સામૂહિક શપથ ગ્રહણ સમારોહની અનોખી ઘટનાને લઈ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના વકીલઆલમ અને ન્યાયતંત્રમાં ભારે ઉત્સાહની લાગણી છે.
એકસાથે ત્રણ અનોખા વર્લ્ડ રેકોર્ડ અંગે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેને જણાવ્યું કે અડાલજમાં દાદા ભગવાન કન્વેશન સેન્ટર ખાતે આજે બપોરે 1.00 વાગ્યે દેશના ગૃહપ્રધાન અમિતશાહના મુખ્ય મહેમાન પદે એક સાથે ગુજરાતના નવા નોંધાયેલા 11 હજારથી વધુ વકીલોને તેમના વ્યવસાયને લઈ સામૂહિક શપથ ગ્રહણ કરાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન મિશ્રા, સોલીસીટર જનરલ તુષાર મહેતા, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિવૃત જજીસ રાજ્યના તમામ 280 વકીલ મંડોળના હોદ્દેદારો અને ગુજરાતભરમાંથી આશરે 17 હજારથી વધુ વકીલો આ ઈવેન્ટના સાક્ષી બનશે. બાર કાઉન્સીલના ચેરમેને જણાવ્યું કે એકસાથે આટલા બધા વકીલોની સામૂહિક શપથ વિધિ માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના ઈતિહાસમાં ક્યાંય યોજાઈ નથી, અને તેથી આ ઐતિહાસિક ઘટનાને લઈ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિક્રમ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.