રિપોર્ટ@ગુજરાત: અગ્નિકાંડની તપાસ માટે ગાંધીનગરની સિટ આજે રાજકોટમાં, તમામ આરોપીઓની કરશે પુછપરછ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની તપાસ માટે રાજય સરકાર દ્વારા રચાયેલી સિટની ટીમ આવતીકાલે રાજકોટ આવી રહી છે. સિટની ટીમ ક્રાઈમ બ્રાંચની કચેરી ખાતે તમામ આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ કરશે. રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઈમના વડા સુભાષ ત્રિવેદીની આગેવાની હેઠળ સિટની રચના કરી હતી. આ સિટ દ્વારા તપાસ કરાયા બાદ હાલ ગાંધીનગરથી તપાસ કરવામાં આવી રહી છે. અગ્નિકાંડમાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલા સરકારના જુદા જુદા વિભાગોના અધિકારીઓ ઉપરાંત આઈપીએસની ગાંધીનગર ખાતે સિટ દ્વારા પુછપરછ થઈ ચુકી છે. આવતીકાલે સિટના અધ્યક્ષ સહિતના સભ્યો રાજકોટ આવી રહ્યા છે.
અગ્નિકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ માટે બીજી સિટની રચના કરવામાં આવી હતી. આ સિટ દ્વારા અત્યાર સુધીમાં ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલા પાંચ અને મનપાની ટીપી અને ફાયર વિભાગના ચાર અધિકારીઓ મળી કુલ ૯ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓને રિમાન્ડ પર લઈ હાલ ક્રાઈમ બ્રાંચની કચેરી ખાતે ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં આ તમામ આરોપીઓની રાજય સરકારે રચેલી સિટના અધિકારીઓ આવતીકાલે રાજકોટમાં પુછપરછ કરી માહિતી મેળવશે.
રાજય સરકારે રચેલી સિટની તપાસમાં અગ્નિકાંડમાં મનપા, પોલીસ અને માર્ગ-મકાન વિભાગની બેદરકારી હોવાનું ખુલ્યું છે. જયારે ગુનાની તપાસ કરતી રાજકોટ સ્થિત સિટની તપાસમાં મનપા અને ફાયર વિભાગની જ ગુનાઈત બેદરકારી ખુલી છે. જેને કારણે બંને સિટની તપાસમાં કયા કારણથી વિરોધાભાસ સર્જાયા છે તેવા સવાલો ઉઠયા છે. સિટના સૂત્રોએ જણાવ્યું કે રાજય સરકારે રચેલી સિટમાં કયા વિભાગની બેદરકારી ખુલી છે તે અંગે તેમની પાસે કોઈ માહિતી નથી પરંતુ રાજય સરકારે રચેલી સિટ દ્વારા એકંદરે જુદા-જુદા સરકારી વિભાગોના અધિકારીઓની વહિવટી ક્ષતિઓની તપાસ કરવામાં આવી છે.