રીપોર્ટ@ગુજરાત: ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને દારૂના દૂષણને લઈને ગંભીર આરોપો લગાવ્યા

આ પત્રથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠાના સાંસદ ગેનીબેને મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાતમાં દારૂના દૂષણને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે બનાસકાંઠાની બોર્ડર મારફતે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી માત્રામાં દારૂ ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છે. આ દારૂના દૂષણના કારણે હજારો મહિલાઓ વિધવા બની રહી છે અને યુવાનોના મોત થઈ રહ્યા છે. તેમણે વધું જણાવ્યું કે ઝેરી અને ખરાબ દારૂના કારણે અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે, જેના લીધે હજારો મહિલાઓ વિધવા બની છે અને બાળકો અનાથ થઈ રહ્યા છે. તેમણે બેન-દીકરીઓની જિંદગી સલામત ન હોવાનું જણાવીને તેમની વેદના માત્ર મહિલા અધિકારી જ સમજી શકશે તેમ જણાવ્યું હતું.
ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) તરીકે મહિલા IPS અધિકારીને મૂકવાની માંગણી કરી છે.બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સંયુક્ત રીતે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે. પત્રમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર થકી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં એવી પણ માંગણી કરવામાં આવી છે કે ગુજરાતમાં ફરજ બજાવતી કોઈ પણ મહિલા IPS અધિકારીને બનાસકાંઠા જિલ્લાના SP તરીકે નિયુક્ત કરવામાં આવે, જેથી મહિલાઓની વેદનાને યોગ્ય રીતે સમજી શકાય અને દારૂના દૂષણને નાથવા માટે અસરકારક પગલાં લઈ શકાય. ગેનીબેન ઠાકોરના આ પત્રથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.