રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન મોદીના હસ્તે ગાંધીનગરથી ગિફ્ટ સિટી મોટેરા મેટ્રોનું થશે લોકાર્પણ

 
ટ્રેન
વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂર્હતના કાર્યક્રમને સંબોધશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ત્રીજી વખત વડાપ્રધાનપદ સંભાળ્યા બાદ પહેલીવાર ગુજરાત આવી રહેલા નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બર એમ બે દિવસ રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.બે દિવસમાં તેમના કુલ ચાર કાર્યક્રમ નક્કી થઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ વડોદરામાં પુર સહિત રાજ્યમાં ભારે નુકશાનથી થયેલી તારાજી અને સાંપ્રત સ્થિતિ અંગે રાજકીય, વહિવટી પાંખ સાથે સમીક્ષા બેઠક યોજશે તેમ મનાય છે. નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બરે મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કામાં ગાંધીનગર (સેક્ટર-1)થી ગિફ્ટ સિટી- મોટેરા રૂટનુ લોકાર્પણ કરશે.

16મી સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનજી દ્વારા આયોજીત ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો- 2024નો આરંભ કરશે. બાદમાં તેઓ ગાંધીનગરના સેક્ટર 1 અને 2 નજીકના મેટ્રો સ્ટેશનથી ટ્રેનમાં મુસાફરી કરીને ગિફ્ટ સિટી સ્ટેશન આવશે. ગિફ્ટ સિટીમાં રોકાણકર્તા, ફાઈનાન્સિયલ સર્વિસિર્સ અને માઈક્રોચિપ સહિતના ઉદ્યામીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. ગિફ્ટ સિટીથી તેઓ અમદાવાદ સ્થિત GMDC ગ્રાઉન્ડ ખાતે યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજીત સરકારી યોજના તેમજ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂર્હતના કાર્યક્રમને સંબોધશે.

ત્યાંથી તેઓ પરત રાજભવન જશે. 17મી સપ્ટેમ્બરે તેમના 74માં જન્મદિવસે સવારે નવેક વાગ્યે અમદાવાદથી દિલ્હી જશે. આમ, 15 અને 16મી સપ્ટેમ્બર દરમિયાન બે રાત્રીના રોકાણ દરમિયાન નરેન્દ્ર મોદી સાથે રાજ્યમાં પુર અને તેનાથી સર્જાયેલી તારાજી સંદર્ભે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, પ્રદેશ ભાજપના આગેવાનો તેમજ મુખ્યસચિવ તેમજ ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક યોજી સમીક્ષા- માર્ગદર્શન કરે તો નવાઈ નહી.