રિપોર્ટ@ગુજરાત: આજે સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત, રાજ્યમાં યુનિફોર્મ સિવીલ કોડ લાગુ થશે

હાલમાં રાજયમાં બે મહત્વના મુદાઓ ચર્ચામાં છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં UCC લાગુ કરવા અંગે મહત્વની જાહેરાત આજે થઈ શકે તેમ છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી આ અંગે મહત્વની જાહેરાત બપોરે પત્રકાર પરિષદના માધ્યમથી કરવા જઈ રહ્યા છે. ગુજરાતમાં હાલમાં જ પ્રોસીકયુશન વિભાગને ન્યાયના બદલે ગૃહ મંત્રાલય હેઠળ લાવ્યા બાદ હવે રાજયમાં ગૃહમંત્રાલય સંબંધી મહત્વના નિર્ણયો આવી રહ્યા છે. હાલમાં રાજયમાં બે મહત્વના મુદાઓ ચર્ચામાં છે. જેમાં નવા જે ભારતીય ન્યાય આચાર સંહિતા સહિતના ત્રણ જે મહત્વના કાનૂન છે તેનો અમલ કરવા મુદે હાલમાં જ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની બેઠકમાં મુખ્યમંત્રી તથા ગૃહ રાજયમંત્રીએ હાજરી આપી હતી.
તેમાં ગૃહમંત્રી અમીત શાહે ગુજરાતમાં આ કાનૂનના અમલની પ્રાથમીક રીતે કામગીરી શરૂ થઈ છે તેના બદલે રાજય સરકારની પીઠ થાબડી હતી. જે 1 એપ્રિલ 2025થી પુર્ણ રીતે અમલી બનશે.બીજી તરફ જે રીતે ઉતરાખંડમાં યુનિફોર્મ સિવીલ કોડ અમલમાં આવી ગયો છે તે બાદ હવે ગુજરાતમાં પણ તેનો અમલ કરવાની તૈયારી છે અને તે માટે રાજય સરકાર કમિટિની રચનાની જાહેરાત કરશે તેવા સંકેત છે. આ માટે રાજય સરકાર એક કમીટી બનાવીને તે માટે ડ્રાફટ મુત્સદો જારી કરીને તેમાં લોકોના સૂચનો મંગાવશે અને બાદમાં તે અંગેનો કાનૂન તૈયાર કરી રાજયમાં અમલ માટે તૈયારી કરશે. આ અંગે ગુજરાતને અગાઉ જ જાહેરાત કરી છે અને તે હવે ઉતરાખંડ બાદ કોમન સિવિલ કોડ અમલમાં મુકનાર ગુજરાત કદાચ બીજું રાજ્ય બનશે.કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવીલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે.
આ કાયદામાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરાઈ છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે.બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવીલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવીલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવીલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે. બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી.