રિપોર્ટ@દેશ: પેટ્રોલ-ડીઝલને લઈને સરકારનો મહત્વનો નિર્ણય, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૩ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે વૈશ્વિક તેલના ભાવ બે મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલા આ મોટા ઘટાડા છતાં, ભારતીય બજારમાં તેની કોઈ અસર જોવા મળી નથી. સરકારી તેલ કંપનીઓએ આજે શનિવાર, 13 જૂન 2026ના રોજ પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.ઉલ્લેખનીય છે કે, ગત 25 મે 2026થી દેશમાં ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
તેલ કંપનીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, આજે દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે. કોલકાતામાં તેની કિંમત ₹113.51, મુંબઈમાં ₹111.21 અને ચેન્નાઈમાં ₹107.77 છે. એક અંદાજ મુજબ, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે, સરકારી માલિકીની તેલ કંપનીઓ પેટ્રોલ, ડીઝલ, LPG અને જેટ ઇંધણ પર દરરોજ આશરે ₹107 કરોડનું નુકસાન ભોગવી રહી છે.સરકારી તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, બુધવારે દિલ્હીમાં ડીઝલનો ભાવ ₹95.20 પ્રતિ લિટર હતો. કોલકાતામાં તે ₹99.02, મુંબઈમાં ₹97.83 અને ચેન્નાઈમાં ₹99.55 હતો. તાજેતરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ઈરાન યુદ્ધ શરૂ થયા પછી લગભગ 50 ટકાનો વધારો દર્શાવે છે.
મધ્યપૂર્વ યુદ્ધની અસર બાદ ભારતમાં પણ ઉર્જા સંકટ ઘેરાયું છે. પેટ્રોલ અને ડીઝલના પુરવઠાને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પેટ્રોલ પંપ પરથી ઇંધણની ખરીદી પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. નવા આદેશ હેઠળ, ફેક્ટરીઓ અને મોટી કંપનીઓ હવે પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી શકશે નહીં, તેમણે ફક્ત તેમના ગ્રાહક પંપ પરથી જ ઇંધણ ખરીદવું પડશે. ગ્રાહકને તાત્કાલિક અસરથી દરરોજ 200 લિટરથી વધુ ડીઝલ ખરીદવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મોટા ખરીદદારો માટે પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે.

