રીપોર્ટ@ગુજરાત: ગુટખા અને પાન મસાલા પર સરકારે લીધો મોટો નિર્ણય, જાણો
13 સપ્ટેમ્બરથી લાગુ થશે નિયમ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરમાં તમાકુ અને નિકોટિનયુક્ત ગુટખા તેમજ પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પરનો સંપૂર્ણ પ્રતિબંધ વધુ 1 વર્ષ માટે લંબાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ પ્રતિબંધનો નવો સમયગાળો 13 સપ્ટેમ્બર થી શરૂ થઈને 12 સપ્ટેમ્બર 2027 સુધી અમલમાં રહેશે. ગુજરાતમાં વર્ષ 2012 થી આ પ્રતિબંધ સતત અને કડક રીતે લાગુ કરવામાં આવી રહ્યો છે, અને પ્રજાના આરોગ્યની સુરક્ષા માટે તેને દર વર્ષે લંબાવવામાં આવે છે.
આ કડક નિર્ણય પાછળનું મુખ્ય કારણ નાગરિકોને જીવલેણ બીમારીઓથી બચાવવાનું છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને 'હેમર' જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા વિસ્તૃત સંશોધનોમાં એ વાત સ્પષ્ટપણે સાબિત થઈ છે કે ગુટખા અને પાન મસાલાનું સેવન સીધી રીતે કેન્સરકારક છે. ખાસ કરીને તેનાથી મોઢાના કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે. વધુમાં, ‘ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે’ (GATS) દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે. આ અહેવાલ મુજબ, દેશમાં 35% પુખ્ત વયના લોકો કોઈને કોઈ સ્વરૂપે તમાકુનું સેવન કરે છે. જેમાંથી 21% લોકો ધુમાડા વગરની એટલે કે સ્મોકલેસ તમાકુ (જેવી કે ગુટખા, ખૈની, પાન મસાલા) નો ઉપયોગ કરે છે. આ વિશાળ વર્ગને કેન્સરના ગંભીર ખતરાથી બચાવવા માટે આ પ્રતિબંધ અત્યંત આવશ્યક બની ગયો હતો.સરકારનો આ પ્રતિબંધ માત્ર તૈયાર ગુટખા પૂરતો જ સીમિત નથી. બજારમાં કોઈપણ બ્રાન્ડ કે નામે વેચાતા તમાકુ કે નિકોટિનયુક્ત પાન મસાલા અને ગુટખા પર આ નિયમ સમાન રીતે લાગુ પડશે.
અગાઉના વર્ષોમાં એવું જોવા મળ્યું હતું કે ઘણીવાર વેપારીઓ કાયદાની છટકબારી શોધવા માટે તમાકુ અને પાન મસાલાના ઘટકોને અલગ-અલગ પડીકીઓમાં વેચતા હોય છે, જેથી ગ્રાહક તેને જાતે મિશ્રિત કરીને ગુટખાની ગરજ સારી શકે. પરંતુ આ આદેશ મુજબ, અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા કે પાન મસાલા તૈયાર થતા હોય તેવા અલગ-અલગ વેચાતા તમામ ઘટકોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પણ સખત પ્રતિબંધ રહેશે. વિવિધ બિન-સરકારી સંસ્થાઓ (NGOs) અને સામાજિક કાર્યકરો દ્વારા પણ સમાજમાં વ્યસનમુક્તિ માટે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. યુવા પેઢીને આ જીવલેણ વ્યસનથી દૂર રાખવા માટે આ સંસ્થાઓ દ્વારા વારંવાર રાજ્ય સરકારને આ પ્રતિબંધ સખ્તાઈથી ચાલુ રાખવા માટે લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. આ તમામ સામાજિક બાબતો અને જનઆરોગ્યના વ્યાપક હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને કમિશનર ઓફ ફૂડ સેફ્ટી દ્વારા આ નિર્ણય લેવાયો છે.

