રીપોર્ટ@ગુજરાત: સરકારી કર્મચારીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણય, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફિક્સ પગાર પર કામ કરતા વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓનું ચાર્જ એલાઉન્સ વધશે. હવે આ કર્મચારીઓને વધારાની કામગીરી સોંપવામાં આવે તો ચાર્જ અલાઉન્સ વધશે. વધારાની કામગીરી મુજબ 5 થી 10 ટકા વધારાનું એલાઉન્સ ચૂકવાશે. નાણાં વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
નાણા વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે નાણા વિભાગના તા.૧૬/૦૨/૨૦૦૬ના ઠરાવ અંતર્ગત રાજય સરકારની કચેરીઓ ખાતે વર્ગ-૩ અને વર્ગ-૪ ની સીધી ભરતીની જગ્યાઓ ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂંક પામેલ ફીકસ પગારના કર્મચારીઓને સંદર્ભ ક્રમાંક-(૧) થી (૩) સામેના ઠરાવો/પરિપત્રથી કરેલ સ્પષ્ટતા મુજબ "વધારાની કામગીરી માટે મહેનતાણા" અંગેની જોગવાઈ થયેલ છે.હાલમાં રાજય સરકારના ફીકસ પગારના વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓને સંદર્ભક્રમાંક-(૧) થી (૩) માં થયેલ જોગવાઇ મુજબ તા.૨૦/૧૦/૨૦૧૫ના ઠરાવથી નકકી કરવામાં આવેલ ફીકસ પગાર ઉપર વધારાનું મહેનતાણું (ચાર્જ એલાઉન્સ) ચૂકવવામાં આવે છે.
ફીકસ પગારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓ માટે સંદર્ભ ક્રમાંક-(૧) માં દર્શાવેલ તા.૨૦/૧૦/૨૦૧૫ના ઠરાવથી નકકી કરવામાં આવેલ ફીકસ પગારમાં સંદર્ભ ક્રમાંક-(૪) સામેના ઠરાવથી સુધારો કરવામાં આવેલ છે, પરંતુ ચાર્જ એલાઉન્સ હાલમાં પણ તા.૨૦/૧૦/૨૦૧૫ના ઠરાવથી નકકી કરવામાં આવેલ ફીકસ પગાર મુજબ ગણતરી કરીને ચુકવવામાં આવે છે. આથી, ફીકસ પગારના કર્મચારીઓમાં કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે તે હેતુથી ફીકસ પગારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને સોપવામાં આવેલ સમાન અથવા ઉપલી જગ્યાના વધારાના હવાલા માટે મળવાપાત્ર ચાર્જ એલાઉન્સમાં સુધારો કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

