રીપોર્ટ@ગુજરાત: સરકારનો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય, NCC કેડેટ્સને પણ મળશે કેમ્પ ભથ્થું

 
Ncc
વિવિધ મહત્વપૂર્ણ કેમ્પમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે, જેનાથી હવે રાજ્યની ખાનગી શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતા એનસીસી કેડેટ્સને પણ સરકારી કેડેટ્સની જેમ જ કેમ્પ ભથ્થું મળતું થશે. અગાઉ આ આર્થિક સહાયનો લાભ માત્ર સરકારી કે અનુદાનિત સંસ્થાઓના કેડેટ્સ પૂરતો મર્યાદિત હતો, પરંતુ હવે સરકારે આ ભેદભાવ દૂર કરીને ખાનગી સંસ્થાઓના કેડેટ્સને પણ સમાન તક પૂરી પાડી છે.

આ નિર્ણય અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાના એનસીસી કેમ્પમાં ભાગ લેનાર ખાનગી સંસ્થાના કેડેટ્સને સરકારી કેડેટ્સ સમાન જ ભથ્થું પૂરું પાડવામાં આવશે અને આવા કેમ્પના ખર્ચનો 100 ટકા હિસ્સો હવે રાજ્ય સરકાર દ્વારા જ ભોગવવામાં આવશે. આ લાભ ખાસ કરીને રિપબ્લિક ડે કન્ટીજન્ટ સહિતના રાષ્ટ્રીય કક્ષાના વિવિધ મહત્વપૂર્ણ કેમ્પમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે.

સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી કેડેટ્સને મેસિંગ, ટ્રાવેલિંગ, જનરેશન, ઇન્સિડેન્ટલ અને પીઓએલ (POL) ચાર્જિસમાં મોટી રાહત મળશે. આર્થિક અડચણો દૂર થવાને કારણે હવે ખાનગી સંસ્થાઓમાં અભ્યાસ કરતા પ્રતિકભાશાળી અને હોશિયાર કેડેટ્સ પણ નાણાકીય મુશ્કેલી વગર રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધી શકશે. ભવિષ્યમાં એનસીસી કેડેટ્સની પસંદગી કે પ્રમોશનમાં વિદ્યાર્થીની આર્થિક સ્થિતિ નહીં, પરંતુ માત્ર તેની પ્રતિભા અને ક્ષમતા જ સર્વોપરી અને મહત્વની બનશે.