રિપોર્ટ@ગુજરાત: વિદ્યાસહાયક ભરતી અંગે સરકારનો મોટો નિર્ણય, TET-1 પાસ ઉમેદવારોને મોટી રાહત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના વચગાળાના પ્રસ્તાવને લીલીઝંડી મળતાં હવે ભરતી પ્રક્રિયા આગળ વધવાનો માર્ગ મોકળો બન્યો છે. સરકારના આ નિર્ણયથી નિમણુકની રાહ જોતા ઉમેદવારો માટે રાહતના સમાચાર છે.ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવાની રાહ જોઈ રહેલા TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વિદ્યાસહાયક ભરતીને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હોવાની માહિતી સામે આવી છે. ભરતી પ્રક્રિયાને મંજૂરી મળતા હજારો ઉમેદવારોને નિમણૂક મળવાનો માર્ગ હવે મોકળો બન્યો છે.
TET-1 પાસ ઉમેદવારો માટે આશરે 10 હજાર જેટલી વિદ્યાસહાયકની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. આ નિર્ણયથી લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.અગાઉ રાજ્યમાં ધોરણ 1થી 5 માટે વિદ્યાસહાયક ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 2026ની ભરતી અંગે ઉપલબ્ધ માહિતી પ્રમાણે ગુજરાતી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓમાં 11 હજાર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી અને એપ્રિલ 2026માં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી.

