રિપોર્ટ@ગુજરાત: ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા સરકારનો મોટો નિર્ણય, જાણો વધુ વિગતે

 
બાંધકામ

બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકોએ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે. તેમણે એવો નિર્ણય કર્યો છે કે, ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના ૪.૫ એફ.એસ.આઇ.સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે.

બિનઅધિકૃત રહેણાંક માટે ૨૦૦૦ ચો. મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે ૧૦૦૦ ચો. મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.અગાઉ ખુટતા પાર્કીંગના ૫૦% જે તે પ્લોટમાં અથવા તો ૫૦૦ મીટરની હદમાં પાર્કીંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના ૫૦ % ખુટતા પાર્કીંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટુંક સમયમાં અમલી કરવામા આવશે.