રીપોર્ટ@ગુજરાત: રાજકોટથી ખોડલધામ સુધીની ઐતિહાસિક 'સરદાર@150 સ્વદેશી પદયાત્રા'નો ભવ્ય આરંભ

 
સરદાર વલ્લભભાઇ
 અપનાવવાના સંકલ્પ સાથે હજારો પદયાત્રીઓ જોડાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે આજે રાજકોટથી ખોડલધામ સુધીની ઐતિહાસિક 'સરદાર@150 સ્વદેશી પદયાત્રા - 2025'નો ભવ્ય આરંભ થયો છે. રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા આયોજિત આ પદયાત્રાને આજે 26 ડિસેમ્બરની વહેલી સવારે 7:00 કલાકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, ગોંડલ રોડ ખાતેથી સંતો-મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવાયું હતું.પદયાત્રાના પ્રારંભ પૂર્વે ગુરુકુલના સ્વામીશ્રી, મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદજી, મસ્તરામ બાપુ (શાપર), રામકૃષ્ણ આશ્રમના સ્વામીશ્રી અને આપાગીગા ઓટલાના નરેન્દ્રબાપુ સહિતના સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા.

સમગ્ર ગુરુકુલ પરિસર 'ભારત માતા કી જય' અને 'સરદાર પટેલ અમર રહો'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વિશેષ આકર્ષણ તરીકે રથમાં બિરાજમાન સરદાર પટેલની ભવ્ય પ્રતિમાનું પૂજન કરી સરદાર ધ્વજનું રોહણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, "સરદાર પટેલના વિચારો માત્ર સ્મરણ પૂરતા સીમિત ન રહેતા જનજીવનનો ભાગ બને તેવો અમારો ઉમદા હેતુ છે. સ્વદેશી અપનાવવું એ રાષ્ટ્રનિર્માણની જવાબદારી છે, જેના દ્વારા જ વડાપ્રધાનના 'આત્મનિર્ભર ભારત'નું સ્વપ્ન સાકાર થશે."

આ ઐતિહાસિક પદયાત્રામાં રાજકોટ સ્ટેટના માંધાંતાસિંહ જાડેજા, સીદસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશ ઉકાણી, બાલાજી વેફર્સના ચંદુ વિરાણી, રાજકોટના મેયર, ભાજપ અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થી બેન્ડની દેશભક્તિપૂર્ણ સુરાવલીઓ અને ઢોલ-નગારાના તાલે પદયાત્રીઓ ઉત્સાહભેર ખોડલધામ તરફ રવાના થયા હતા.રાજકોટથી ખોડલધામ સુધીના માર્ગ પર શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, લેઉવા પટેલ સમાજ, મુસ્લિમ સમાજ, દલિત સમાજ, ગઢવી સમાજ અને વિવિધ દૂધ તેમજ સેવા મંડળીઓ દ્વારા પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવશે. આ પદયાત્રા દ્વારા રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને દેશપ્રેમનો સંદેશ ગામેગામ પહોંચાડવામાં આવી રહ્યો છે.