રીપોર્ટ@ગુજરાત: GSRTCએ એસટી બસ ભાડામાં એકાએક 10 ટકાનો વધારો ઝીંક્યો

 
નિર્ણય

આ નિર્ણયથી મુસાફરોમાં નારાજગી જોવા મળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે મુસાફરોના ખિસ્સા પર ભાડા વધારાનો બોજી નાખ્યો છે. GSRTCએ એસટી બસ ભાડામાં એકાએક 10 ટકાનો વધારો ઝીંક્યો છે. જેના કારણે રાજ્યભરના આશરે 27 લાખ મુસાફરો પર સીધી અસર પહોંચી છે.વર્ષ 2014 બાદ પહેલીવાર 2023માં એટલે કે 10 વર્ષ બાદ એસટી નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2023ના રોજ 25 ટકા સુધીનો ભાડાંમાં વધારો કરવામાં આવ્યો હતો.GSRTC દ્વારા આ લાગુ થનારાં ભાડાંમાં 48 કિમી સુધી રૂ.એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. અને હવે ફરી વધારો કરવામાં આવ્યો છે.

29 માર્ચ 2025 રાત્રે 12 વાગ્યાથી 10 ટકાનો ભાડા વધારો અમલમાં આવ્યો છે. જેમાં લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી 85 ટકા મુસાફરો 48 કિમી સુધીની મુસાફરી કરે છે જેમને 1 રૂપિયાથી લઇને 4 રૂપિયા સુધીનો ભાડા વધારો ભોગવવો પડશે.આ ભાવ વધારાથી સામાન્ય અને મધ્યમ વર્ગના એવા મુસાફરો પર સીધી અસર થઇ છે, જેઓ મુસાફરી માટે એસટી બસ પર નિર્ભર છે. રોજિંદા મુસાફરી કરતા લોકો અને ગ્રામીણ વિસ્તારોમાં અવરજવર કરતા લોકો માટે આ વધારો આર્થિક બોજ સમાન સાબિત થઈ શકે છે. નિગમના આ નિર્ણયથી મુસાફરોમાં નારાજગી જોવા મળી છે.