રીપોર્ટ@ગુજરાત: GSSSB વર્ગ-3ની મુખ્ય પરીક્ષા શરૂ, 20,000 થી વધુ ઉમેદવારો મેદાનમાં

 
પરોક્ષા

અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આયોજન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજથી વર્ગ-3 ની વિવિધ જગ્યાઓ માટેની મુખ્ય પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાંથી પ્રિલિમ પરીક્ષામાં સફળ થયેલા 20,000 થી વધુ ઉમેદવારો માટે અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું છે. આ પૈકી એકલા અમદાવાદ શહેરમાં જ 10,500 ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી રહ્યા છે.પરીક્ષાના પ્રથમ દિવસે એટલે કે આજે 2 અલગ-અલગ સેશનમાં કુલ 200 માર્કની પરીક્ષા લેવામાં આવી રહી છે. પ્રથમ સેશનમાં 100 માર્કનું ગુજરાતી વિષયનું પેપર અને બપોરે બીજા સેશનમાં 100 માર્કનું અંગ્રેજી વિષયનું પેપર લેવામાં આવી રહ્યું છે.

આવતીકાલે 150 માર્કનું જનરલ સ્ટડીઝ વિષયનું પેપર લેવામાં આવશે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં આ ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા યોજાઈ હતી, જેમાં રાજ્યભરમાંથી આશરે 2 લાખ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા 20,000 થી વધુ ઉમેદવારો આજે મુખ્ય પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા છે. પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવાર જયદીપ વાઘેલા, અભિષેક અને વ્યોમેશ વાઘેલા સહિતના ઉમેદવારોએ પરીક્ષા વ્યવસ્થા અને પેપર અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.