રિપોર્ટ@ગુજરાત: રૂ.2,999 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને ગુજરાત સરકારે આપી લીલી ઝંડી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત સરકારે આજે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ હેઠળ રૂ.2,999 કરોડથી વધુના રોકાણ ધરાવતા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય કમિટીઓની શ્રેણીબદ્ધ બેઠકો દરમિયાન આ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવી હતી.ગુજરાતને સામાજિક-આર્થિક વિકાસની દિવાદાંડી અને વિશ્વના સૌથી આકર્ષક રોકાણ સ્થાનોમાંથી એક બનાવવાના વિઝન સાથે ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ 'ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ' યોજના શરૂ કરવામાં આવી હતી.
આ યોજના રાજ્યમાં સ્થાપિત થતા પાત્રતા ધરાવતા ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. રિફંડ/સહાય આપે છે.આ નીતિએ અત્યાર સુધીમાં ગુજરાતભરમાં ₹ 148,336.35 કરોડના રોકાણને આકર્ષિત કર્યું છે અને 1,65,053 સીધી રોજગારીનું સર્જન કર્યું છે. આ રોકાણોએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ના વિકાસને પણ ઝડપી બનાવ્યો છે, જેનાથી રાજ્યમાં ઉદ્યોગ-અનુકૂળ ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મોટા પાયે રોકાણ આકર્ષીને અને નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરીને ગુજરાતને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે અગ્રેસર બનાવવાનો છે.નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને આજે 27 જુલાઈ, 2026ના રોજ મોટા ઉદ્યોગોને 'ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ' આપવા માટેની સમિતિની બેઠક મળી હતી. કમિટીએ રૂ 1,977.04 કરોડના કુલ મૂડીરોકાણ ધરાવતી 32 અરજીઓને મંજૂરી આપી હતી, જેનાથી અંદાજે 4,739 સીધી રોજગારી ઊભી થવાની ધારણા છે.મોટા ઉદ્યોગો અને થ્રસ્ટ સેક્ટર યોજના માટેની કેપિટલ સબસિડી હેઠળ અરજીઓ પર વિચારણા કરવા માટે પણ કમિટીની બેઠક યોજાઈ હતી. સમિતિએ રૂ 649.23 કરોડના રોકાણ ધરાવતા 1 પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનાથી અંદાજે 871 સીધી રોજગારીનું સર્જન થશે. આ પ્રોજેક્ટ ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરશે અને સીધી તથા આડકતરી રોજગારીમાં વધારો કરશે
'ટેક્ષટાઈલ વેલ્યુ ચેઈનમાં ચોક્કસ ક્ષેત્રોને મજબૂત કરવા માટેની સહાય યોજના-2019' હેઠળ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની એમ્પાવર્ડ કમિટીની ૭મી બેઠક યોજાઈ હતી. કમિટીએ 3 ટેક્સટાઈલ એકમો માટે સહાય મંજૂર કરી હતી, જે કુલ મળીને રૂ 165 કરોડનું રોકાણ લાવશે અને અંદાજે 500 પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કરશે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા એકમોને વ્યાજ સહાય અને પાવર ટેરિફ સહાય મળે છે.
'ગુજરાત ઔદ્યોગિક નીતિ-2020' હેઠળ રાજ્ય સરકારે 'ઔદ્યોગિક પાર્ક સહાય યોજના' મંજૂરી આપી છે. ઇન્ડસ્ટ્રિયલ પાર્કના વિકાસ માટે આ પ્રોજેક્ટ્સમાં કુલ ₹371.70 કરોડથી વધુનું રોકાણ થશે, જે ગુજરાતના ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરશે. આ બેઠકમાં ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામભાઇ ગામીત, અધિક મુખ્ય સચિવો જયંતી રવી, ટી. નટરાજન, મમતા વર્મા સહિતના ઉચ્ચ આઇ.એ.એસ. અધિકારીઓ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સંદિપ એન્જિનીયર ઉપસ્થિત રહ્યા હતા.

