રિપોર્ટ@ગુજરાત: વિધાનસભા ગૃહમાં સરસ્વતી સાધના યોજના અંગે હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

સલામતીના હેતુ માટે આઈએસઆઈના માર્કા વાળા રિફ્લેકટરનો ઉપયોગ કરવામાં આવ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ આપવા બાબતે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તરફથી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યની દીકરીઓને અભ્યાસ કરવા માટે ઘર અને શાળાએ અવર-જવર કરવામાં અગવડતા ન પડે અને ચાલીને શાળાએ જવું ન પડે એ માટે અમલી કરેલી સરસ્વતી સાધના યોજના લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ-9માં અભ્યાસ કરતી રાજ્યની 7,93,122 દીકરીઓને સાયકલ આપવામાં આવી છે.
સાયકલ વિતરણના વિલંબ અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રીએ જણાવ્યું કે, સાયકલની ગુણવત્તા અને તેમાં આપવામાં આવેલી સુવિધામાં કોઈ પણ ક્ષતિ રહી ન જાય તેમજ ગુણવત્તા સંદર્ભે સાયકલ માટે નિર્ધારિત કરેલા ધારા ધોરણો ચુસ્તપણે જળવાઈ રહે તે માટે ટેકનિકલ અને ફીજીકલ ઇન્સ્પેક્શનને વધારે વિસ્તૃત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ખૂબ વધારે વરસાદ વરસતા સાયકલોમાં લાગેલા કાટને દૂર કરવા કલર કોટિંગ કરી તેને પુનઃ નવી સ્થિતિમાં લાવીને સાયકલ આપી વધુ યોગ્ય હોવાથી વહીવટી કારણોસર સાયકલ વિતરણ પ્રક્રિયામાં વિલંબ થયો છે. એટલું જ નહીં, આવનારા સમયમાં સમયસર સાઇકલ મળી રહે તે રીતે આખી સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં આ સાયકલની ખરીદ કિંમતના ફેરફાર બાબતે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ કહ્યું કે, અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ખરીદાયેલી આ સાયકલમાં વધારાની સુવિધાઓ ઉમેરવામાં આવી છે.દીકરીઓ પોતાની બેગ મૂકી શકે તે માટે સાયકલમાં બાસ્કેટની સુવિધા ઉમેરવામાં આવી છે. તે ઉપરાંત સાયકલની મજબૂતી અને ટકાઉપણામાં વધારો કરવા માટે બ્રાસ નિપલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દીકરીઓની સલામતીના હેતુ માટે આઈએસઆઈના માર્કા વાળા રિફ્લેકટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.