રિપોર્ટ@ગુજરાત: આરોગ્ય મંત્રીની મોટી અપીલ, શ્રાવણમાં 'પૂજાના ઘી' અને ફરાળી લોટના નામે વેચાય છે ઝેર

 
આરોગ્ય મંત્રી
સરકારે આવા બનાવટી ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓને સીલ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના નાગરિકોને શ્રાવણ માસના પવિત્ર દિવસોની શુભકામનાઓ પાઠવતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય અને શ્રદ્ધા સાથે ખીલવાડ કરનારા વેપારીઓ સામે રાજ્ય સરકાર 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી રહી છે. શ્રાવણ દરમિયાન નાગરિકોને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર ગુજરાતમાં ફરાળી લોટ, માવો, પનીર, ઘી અને દૂધ જેવી ખાદ્યસામગ્રીનું સઘન ચેકિંગ હાથ ધરીને દરોડા પાડવામાં આવી રહ્યા છે.

વધુ નફો કમાવાની લાલચમાં ભેળસેળ કરતા તત્વો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે.'પૂજા માટેનું ઘી' અને બનાવટી ડેરી પ્રોડક્ટ્સથી સાવધ રહેવા અપીલમંત્રીશ્રીએ શ્રદ્ધાળુઓને વિશેષ અપીલ કરતા જણાવ્યું હતું કે, માત્ર 'પૂજા માટેનું ઘી' એવું લેબલ જોઈને ઘી ખરીદવાનું ટાળવું જોઈએ, કારણ કે તે ભેળસેળયુક્ત હોઈ શકે છે. સરકારે આવા બનાવટી ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓને શોધીને સીલ કરી દીધી છે. બજારમાં સહકારી મંડળીઓ કે સ્ટાન્ડર્ડ બ્રાન્ડ્સના નિયત ભાવ કરતાં ખૂબ જ ઓછા ભાવે મળતું દૂધ કે ઘી ન ખરીદવા નાગરિકોને સૂચના આપી છે. નાગરિકોએ શક્ય હોય ત્યાં સુધી ખાદ્યસામગ્રી ઘરે જ બનાવવી અથવા કોઈ માન્ય કંપની અને પ્રમાણિક ગૃહ ઉદ્યોગ પાસેથી જ ખરીદવી જોઈએ.'ભેળસેળ મુક્ત ગુજરાત'ના આ મહાઅભિયાનમાં જાગૃતિ ફેલાવવા બદલ આરોગ્ય મંત્રીએ મીડિયા મિત્રોની સક્રિય ભૂમિકાને બિરદાવી હતી.

સરકારની કડક કાર્યવાહીની સાથે હવે સામાન્ય નાગરિકોએ પણ જાગૃત થવાની જરૂર છે. શ્રાવણ જેવા પવિત્ર તહેવારોમાં શ્રદ્ધાળુઓની લાચારી કે અજ્ઞાનતાનો લાભ ઉઠાવતા તત્વો સામે જનજાગૃતિ જ સૌથી મોટું શસ્ત્ર છે. ગ્રાહકોની સજાગતા જ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળતું અટકાવી શકશે.આરોગ્ય વિભાગની ટીમો આગામી દિવસોમાં પણ અનાલોગ પનીર, ચીઝ, માવો અને બટર જેવા બિન-અધિકૃત અને બનાવટી ડેરી ઉત્પાદનોનું વેચાણ કે ઉત્પાદન કરતા એકમો સામે કાર્યવાહી ચાલુ રાખશે. ગુજરાતના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અસામાજિક તત્વોને આ પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવા મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આખરી ચેતવણી આપી છે.