રીપોર્ટ@ગુજરાત: ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે નુકસાન, 48 કલાકમાં 21 લોકોના મોત

 
વરસાદ
ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.  અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે ગુજરાતમાં મેઘરાજા સતત 48 કલાકથી બેટિંગ કરી રહ્યા છે. ભારે પવન સાથેના વરસાદના કારણે અનેક જાનહાનિ અને માલહાનિના સમાચાર પણ સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 21 લોકોના મોત નિપજ્યા છે, 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ સિવાય 45થી વધુ પશુના મોત નિપજ્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે નુકસાન સર્જાયું છે. જેમાં આણંદમાં તૈયાર બાજરી-ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુરૂવારે (8 મે) 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની સંભાવના છે. ગુરૂવારે 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે. આજે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વલસાડ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સાથે રાજ્યભરમાં 50-60 કિ.મી.ની ઝડપે ભારે પવન ફૂંકાવવાની આગાહી છે. શુક્રવારે, નવમી તારીખે આખા ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. શનિવારે, 10મી તારીખે ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને રવિવારે, 11મી તારીખે ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.