રિપોર્ટ@ગુજરાત: કાયદાઓનું અમલ નહિ થતાં હાઇકોર્ટ લાલઘૂમ, બે ટોચના અધિકારીઓને હાઇકોર્ટનું તેડું

 
હાઇકોર્ટ

હવે ટોચના અધિકારીઓએ જવાબ આપવો પડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં દબાણો અને તૂટેલા રસ્તાઓ બાબતે કાયદાઓનું અમલ નહિ થતાં હાઇકોર્ટ લાલઘૂમ થઈ હતી. વર્ષ 2018 થી વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે અવારનવાર આપવામાં આવતા આદેશનું સંતોષકારક પાલન થયું નથી. આ કેસના અરજદાર વતી એડવોકેટ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું કે વર્ષ 2018 પછી પચાસ જેટલા આદેશો છતાં કોઈ ફળદાયી પરિણામ આવ્યું નથી. આમ હવે ટોચના અધિકારીઓએ જવાબ આપવો પડશે. સરકારી વિભાગો દ્વારા લેવામાં આવેલા પગલાં સંતોષકારક નહિ હોવાથી નાછૂટકે ટોચના બે જવાબદાર અધિકારીઓને બોલાવવા પડ્યા છે તેમ હાઇકોર્ટ દ્વારા પોતાના આદેશમાં નોંધવામાં આવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સહિતના સત્તાવાળાઓને વિવિધ બાબતો જેવી કે ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણો રસ્તાઓ બાબતે આદેશો આપવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં પણ પરિસ્થિતિમાં કોઈ પણ સુધારો નહીં આવતા અને આદેશનું યોગ્ય પાલન નહીં થતાં અરજદાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ વિભાગના જવાબદાર અધિકારીઓની સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી કરવાની દાદ માગતી અરજી કરવામાં આવી હતી.

તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠ દ્વારા આ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેમાં પણ અવારનવાર હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે વાયદાઓ કરવામાં આવે છે પાના અને પાનાઓ ભરી જવાબો રજૂ કરવામાં આવે છે પણ જમીન સ્તર ઉપર કોઈ કામગીરી દેખાતી નથી.આ બાબતે પણ આજે વધુ સુનાવણી થતાં હાઇકોર્ટને સરકારી કામગીરીથી કોઈ સંતોષ નહીં લાગતા ટોચના અધિકારીઓને તારીખ 29 મીના રોજ હાજર રહેવાનું આદેશ કર્યો હતો.