રિપોર્ટ@ગુજરાત: વરસાદથી પ્રજાને થતી હાલાકી પર હાઈકોર્ટ લાલઘૂમ, શું કહ્યું? જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બિસ્માર રસ્તાઓ, ફુટપાથ પર ગેરકાયદે દબાણો સહતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ઓથોરીટીને ફટકાર લગાવી હતી. જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે જણાવ્યું હતું કે, 'શહેરના ખરાબ રસ્તાઓ અને ભુવાઓ મુદ્દે એ.એમ.સી.નું યોગ્ય મોનીટરીંગ નહીં હોવાથી ચાર ઈંચ વરસાદમાંય નાગરિકો હેરાન થઈ જાય છે. શું કોર્પોરેશનના અધિકારી- કર્મચારીઓ પગાર નથી લેતા?
ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, 'લોકો ટેક્સ ભરે છે તો જેઓ ટેક્સ ભરે છે તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સારી સુવિધા પૂરી પાડવી જોઈએ. રોડ-રસ્તા બનાવવા હલકુ મટીરીયલ વપરાય છે અને આડેધડ કોમગીરીના કારણે ભુવાઓ પડે છે. બંધારણમાં લોકોને સારૂં જીવન જીવવાનો અધિકાર બક્ષાયો છે. ઓથોરીટી જો તેની ફરજ નહીં નિભાવે તો કોર્ટ આદેશ આપશે.'બીજી તરફ એડવોકેટ અમિત પંચાલે કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું, 'શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગો અને ફુટપાથ પર લારી-ફેરિયાવાળાના ગેરકાયદે દબાણો અને અનઅધિકૃત પાર્કિંગ સહિતના મુદ્દાઓ હાઈકોર્ટે વારંવારના આદેશો જારી કર્યા હોવા છતાં તેનું એ.એમ.સી., પોલીસ અને સરકારના સત્તાવાળાઓ દ્વારા પાલન કરાતુ જ નથી.
તેથી આ સત્તાધીશો કોર્ટના તિરસ્કારને પાત્ર છે અને તેથી હાઈકોર્ટે આ તમામ સત્તાવાળાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. એ.એમ.સી. અને સત્તાવાળાઓને દર વખતે મોકો આપીશકાય નહી. 'જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે સરકારપક્ષ અને એ.એમ.સી. સત્તાધીશોને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, 'હાલમાં એવું જોવામાં આવી રહ્યુ છે રાજ્યમાં સરેરાશ વરસાદ ચાર ઈંચ કે તેથી વધુ વધારે પડે છે અને ચાર ઈંચ વરસાદમાં તો બધે પાણી-પાણી થઈ જાય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો આ બાબતે રાજ્ય સરકારે વિચારવું જોઈએ. કારણ કે જો વાદળ ફાટે કે 20 ઈંચ વરસાદ પડે તો સમજી શકાય છે. પરંતુ ચાર ઈંચ વરસાદમાં આવું થાય છે તો રાજ્ય સરકારે સરેરાશ ચાર ઇંચ વરસાદના પોલિસી બનાવવા માટે વિચારવું જોઇએ.'