રીપોર્ટ@ગુજરાત: અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટેનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, ભક્તોમાં ખુશીનો માહોલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને કાનૂની વિવાદનો અંત લાવતા કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આસો નવરાત્રીની આઠમની પૂજા અને આરતી પર હવે દાંતાના રાજવી પરિવારનો કોઈ વિશેષાધિકાર રહેશે નહીં. આ પૂજાનો લાભ હવે સામાન્ય ભક્તો પણ લઈ શકશે. બનાસકાંઠાના દાંતાના રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે દાયકાઓથી કાનૂની લડાઈ ચાલી રહી હતી.
દાંતા સ્ટેટના રાજવી પરિવારનો દાવો હતો કે, પરંપરાગત રીતે આઠમની હવન પૂજા અને આરતીનો પ્રથમ હક તેમનો છે. આ પરંપરા રાજાશાહીના સમયથી ચાલી આવતી હતી અને તેને તેઓ પોતાનો કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવતા હતા.આ મામલે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે: રાજાશાહીના સમયના હકો હવે લોકશાહી શાસન વ્યવસ્થામાં કાયમી ધોરણે ચાલુ રાખી શકાય નહીં. અંબાજી મંદિર હવે એક પબ્લિક ટ્રસ્ટ અને સરકાર હસ્તક છે. જાહેર મંદિરમાં દરેક શ્રદ્ધાળુ સમાન છે.પૂજા કે આરતીમાં કોઈ એક વ્યક્તિ કે પરિવારને અગ્રતા આપવી એ બંધારણીય રીતે યોગ્ય નથી. હવે આ પૂજાનો લાભ કોઈ પણ સામાન્ય વ્યક્તિ લઈ શકશે.આ નિર્ણયને અંબાજી મંદિરના ઇતિહાસમાં ખૂબ મોટો માનવામાં આવે છે.
અત્યાર સુધી આઠમની પલ્લી અને વિશેષ પૂજા વખતે રાજવી પરિવારની હાજરી અનિવાર્ય ગણાતી હતી, પરંતુ હવે મંદિર વહીવટી તંત્ર પોતાની રીતે તમામ ભક્તો માટે વ્યવસ્થા કરી શકશે.કોર્ટના આ ચુકાદાને કારણે સામાન્ય શ્રદ્ધાળુઓમાં આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે મંદિરની ધાર્મિક વિધિઓમાં કોઈ ભેદભાવ રહેશે નહી.

