રીપોર્ટ@ગુજરાત: GST ઘટતા ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ભારે તેજી, પહેલા દિવસે જ 10 હજારથી વધુ વાહનોનું વેચાણ

 
વાહનો
ગ્રાહકોમાં વાહનો ખરીદવા માટે ઉત્સાહ વધ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવરાત્રિના પ્રારંભે જીએસટીના દરમાં ઘટાડો થતાં ગુજરાતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ભારે તેજી જોવા મળી રહી છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ ટુ-વ્હીલર અને કારનું વેચાણ અપેક્ષા કરતાં વધુ રહ્યું હતું. આ વેચાણથી ગ્રાહકોને કરોડો રૂપિયાનો લાભ થયો છે, જેનાથી બજારમાં હકારાત્મક માહોલ સર્જાયો છે.નવરાત્રિની શરૂઆત જીએસટી ૨.૦ સાથે થઈ છે, જેનાથી અનેક ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને, ઓટોમોબાઈલ ક્ષેત્રને આ ફેરફારથી નવું જોમ મળ્યું છે.

આ નવા દરને કારણે ગ્રાહકોને ટુ-વ્હીલરમાં ૭ હજારથી ૨૦ હજાર રૂપિયા અને કારમાં ૬૦ હજારથી ૨.૫૦ લાખ રૂપિયા સુધીનો ફાયદો થયો છે. આ લાભને કારણે ગ્રાહકોમાં વાહનો ખરીદવા માટે ઉત્સાહ વધ્યો છે.આ જીએસટી કટનો સીધો ફાયદો ગ્રાહકોને થયો છે. પ્રથમ દિવસે જ ગુજરાતમાં 8 થી 10 હજાર ટુ-વ્હીલર અને 2500થી વધુ કારનું વેચાણ થયું હતું, જેનાથી રાજ્યના ગ્રાહકોને કુલ 50 કરોડ રૂપિયાથી વધુનો લાભ થયો છે. અમદાવાદમાં પણ આ ફેરફારની સકારાત્મક અસર જોવા મળી. અહીં 2500 ટુ-વ્હીલર્સ અને 800 થી 1000 કારનું વેચાણ થયું, જેનાથી અમદાવાદના ગ્રાહકોને 10 કરોડ રૂપિયાથી વધુનો લાભ થયો હોવાનો અંદાજ છે.

જીએસટીમાં ઘટાડો, અનુકૂળ ચોમાસું અને હકારાત્મક અર્થતંત્રને કારણે ઓટોમોબાઈલ ક્ષેત્રે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. નવરાત્રિના સમયગાળા દરમિયાન, સમગ્ર ગુજરાતમાં 30 હજાર કાર અને 10 લાખ ટુ-વ્હીલર્સનું વેચાણ થવાનો અંદાજ છે. આ આંકડા ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે એક સારા સંકેત છે અને ભવિષ્યમાં પણ આ તેજી ચાલુ રહેવાની શક્યતા છે.આ અંદાજમાં અમદાવાદ શહેરનો ફાળો નોંધપાત્ર છે. નવરાત્રિ અને દશેરાના તહેવારો દરમિયાન અમદાવાદમાંથી જ 15 હજારથી 17 હજાર ટુ-વ્હીલર્સ અને 4 હજારથી 5 હજાર કાર વેચાવાનો અંદાજ છે. નવરાત્રિના પ્રથમ દિવસે અમદાવાદમાં 800 થી 1000 કારનું વેચાણ થયું છે.