રિપોર્ટ@ગુજરાત: રાજકોટમાં સમૂહ લગ્નમાં ભારે વિવાદ, 28 જાન માંડવે આવી અને આયોજકો ફરાર

 
વિવાદ
ઋષિવંશી ગ્રૂપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટના રેલનગરમાં મેરીગોલ્ડ ઍપાર્ટમેન્ટ પાસે ઋષિવંશી સમાજ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં વિવાદ સર્જાયો હતો. આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું જેમણે આયોજન કર્યું હતું તે જ આયોજકો ફરાર થઈ ગયા હતા. જેના કારણે જાન લઈને આવેલા જાનૈયાઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આટલું મોટું આયોજન કરી પૈસા લઈ આયોજકો રફુચક્કર થઈ જતાં વરઘોડિયા રઝળી પડ્યા હતા અને કેટલીક કન્યાઓ રડી પડી હતી.

મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં ઋષિવંશી ગ્રૂપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 28 નવદંપત્તિ લગ્નના તાંતણે બંધાવાના હતા. જોકે જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. કન્યા પક્ષ અને વર પક્ષે આરોપ લગાવ્યો છે કે, અમારી પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવવામા આવ્યા હતા અને એન.વી ઇવેન્ટ ગ્રૂપ નામથી રસીદ પણ આપવામાં આવી હતી.ડિસેમ્બર-2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું. હવે રુપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે. તેમણે ફોન પણ બંધ કરી દીધો છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા છે. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ગઈ હતી.