રીપોર્ટ@રાજકોટ: NEET PG પરીક્ષા દરમિયાન પ્રવેશ મુદ્દે ભારે દોડધામ, જાણો વધું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાં આજે NEET PG પરીક્ષા દરમિયાન પ્રવેશ મુદ્દે ભારે દોડધામ સર્જાઈ હતી. પરીક્ષા પ્રવેશનો સમય પૂર્ણ થવાના સમયે ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ કરાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ દોડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થીનીને શરૂઆતમાં પ્રવેશ ન મળતા પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ હતી અને તેની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. શહેરમાં કુલ 2 કેન્દ્રો પર NEET PG પરીક્ષા લેવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાં આશરે 5 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
પરીક્ષા આપવા માટે અંદાજે 1200 પરીક્ષાર્થીઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશના અંતિમ સમયે કેટલાક વિદ્યાર્થીઓને જરૂરી ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ માટે દોડધામ કરવી પડી હતી. સમય ઓછો હોવાથી પરીક્ષાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.પરીક્ષા કેન્દ્રની બહાર એક વિદ્યાર્થીનીને શરૂઆતમાં પ્રવેશ ન મળતા પરિવારજનોમાં ચિંતા વધી હતી. આ દરમિયાન વિદ્યાર્થીનીની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. પરિસ્થિતિ વધુ ગંભીર બનતા માતા બેભાન થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે.
વિદ્યાર્થીનીને શરૂઆતમાં પ્રવેશ માટે રિજેક્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ફરીથી બોલાવવામાં આવી અને અંતે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ મળ્યા બાદ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.આ સમગ્ર ઘટનાને પગલે પરીક્ષા કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકત્ર થયા હતા. પ્રવેશ પ્રક્રિયાને લઈને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી પરીક્ષા હોવાથી છેલ્લી ઘડીએ સર્જાયેલી આવી સ્થિતિએ પરિવારજનોની ચિંતા વધારી હતી.

