રીપોર્ટ@ગુજરાત: 'હવે આગાહી નહીં કરું' અંબાલાલ પટેલનો મોટો નિર્ણય, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે મોટો નિર્ણય જાહેર કર્યો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ બિનવૈજ્ઞાનિક વરસાદી આગાહીઓ કરનારાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કર્યા બાદ અંબાલાલ પટેલે હવે હવામાન અંગે આગાહી નહીં કરવાની જાહેરાત કરી છે.અંબાલાલ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે હવે તેઓ હવામાનની કોઈપણ પ્રકારની આગાહી નહીં કરે અને મીડિયા પ્રતિનિધિઓને પણ તેમની પાસે આગાહી લેવા ન આવવા અપીલ કરી છે.તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં."
તાજેતરમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અપેક્ષા મુજબ ન પડતા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ વરસાદના વરતારા કરનારાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બિનવૈજ્ઞાનિક અને આધારવિહોણી આગાહીઓના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને આવા આગાહીકારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.આ નિવેદન બાદ અંબાલાલ પટેલની જાહેરાતે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે.
છેલ્લા ઘણા વર્ષોથી અંબાલાલ પટેલની હવામાન આગાહીઓ ગુજરાતમાં વ્યાપક ચર્ચાનો વિષય રહી છે. હવે તેમના આ નિર્ણય બાદ આગામી સમયમાં હવામાન અંગેની ચર્ચાઓમાં નવો વળાંક આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ વચ્ચેનો વિવાદ હવે વધુ ગરમાય તેવી પણ શક્યતા છે.

