રીપોર્ટ@ગુજરાત: અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ નિર્ણય, 20 ટકા અનામત મળશે, જાણો નવા નિયમો
ફિઝિકલ ટેસ્ટમાંથી સંપૂર્ણ મુક્તિ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોને સુરક્ષા અને વહીવટી વિભાગોમાં નવી કારકિર્દી બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.રાજ્ય સરકારે હવે પૂર્વ અગ્નિવીરો માટે વિવિધ સરકારી વિભાગોમાં વર્ગ 3ની સીધી ભરતીમાં 20 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે.આ નિર્ણયથી સેનામાં સેવા આપી ચૂકેલા યુવાનોને રાજ્ય સરકારમાં રોજગારીની મોટી તકો પ્રાપ્ત થશે.માત્ર અનામત જ નહીં પરંતુ ભરતી પ્રક્રિયાને પણ વધુ સરળ બનાવવામાં આવી છે.
પૂર્વ અગ્નિવીરોને શારીરિક ક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપવામાં આવશે.આ ઉપરાંત ભરતી માટે નિયત કરવામાં આવેલી ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ સુધીની ખાસ છૂટછાટ આપવામાં આવશે.ખાસ કરીને, અગ્નિવીર સ્કીમની પ્રથમ બેચના સભ્યો માટે આ વય મર્યાદામાં 5 વર્ષ સુધીની છૂટ આપવાના દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેનો લાભ મુખ્યત્વે પોલીસ અને વહીવટી સેવાઓમાં મળશે.
જેમાં હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી.ના પ્લાટૂન કમાન્ડર અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જેલ વિભાગની જેલર ગૃપ-2 અને જેલ સીપાઈની પોસ્ટ તથા વન અને પર્યાવરણ વિભાગની વનરક્ષક અને વનપાલ વર્ગ-3ની જગ્યાઓ પર પણ આ અનામત અને છૂટછાટનો લાભ મળી રહેશે.

