રીપોર્ટ@ગુજરાત: શિક્ષણ વિભાગનો વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય, 5 જુલાઈથી થશે 'બેગલેસ ડે'નો અમલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડેનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય 5 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યો છે. આ નિર્ણય અંતર્ગત હવેથી શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળશે. દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત પ્રવૃત્તિઓ શાળામાં કરાવવામાં આવશે.
ન્યુ એજ્યુકેશન પોલિસી 2020 અને NCF-SE 2023 મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકો એટલે કે પ્રાથમિક શાળાના બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત-ગમત, શારિરીક કસરતો, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, બાલસભા, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના શિક્ષણ વિભાગ તરફથી આદેશ આપવામાં આવ્યા છે.
હવે પછીના શનિવારે રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં બાળકો બેગ વગર જશે. પરંતુ સરકારના નિર્યણ પહેલા પણ રાજ્યની અનેક સરકારી અને ખાનગી શાળાઓ સ્વૈચ્છિક રીતે અઠવાડિયામાં એક દિવસ કે પછી મહિનામાં એક દિવસ બેગલેસ ડે રાખતી જ હતી. આ દિવસોમાં શાળાના વિદ્યાર્થીઓ બેગ વગર જ શાળામાં આવતા હતા અને શિક્ષણથી અલગ ઈત્તર પ્રવૃતિઓ કરતા હતા.