રીપોર્ટ@ગુજરાત: સરકારનો મહત્વનો નિર્ણય, પોલીસ વિભાગમાં 500 નવી ભરતીને મંજૂરી
ડ્રાઈવર કોન્સ્ટેબલની નવી જગ્યાઓ મંજૂર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં પોલીસ તંત્રની કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. પોલીસ વિભાગમાં ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ વર્ગ-3 ની કૂલ 500 નવી જગ્યાઓની ભરતીને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના વિવિધ પોલીસ એકમોમાં વાહનોના યોગ્ય સંચાલન અને કટોકટીના સમયે તાત્કાલિક પહોંચી શકાય તે માટે આ નવી જગ્યાઓની મંજૂરી આપીને ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.આ મંજૂર કરાયેલી 500 નવી જગ્યાઓમાંથી રાજ્યના મોટા શહેરો અને વિવિધ જિલ્લા એકમોને જરૂરિયાત મુજબ ફાળવણી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ માટે સૌથી વધુ 50 નવી જગ્યાઓ ફાળવવામાં આવી છે.
સુરત, વડોદરા અને રાજકોટ શહેર પોલીસ માટે 20-20 જગ્યાઓની ફાળવણી કરાઈ છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ માટે 10 નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. બાકીની જગ્યાઓ રાજ્યના અન્ય જિલ્લા પોલીસ એકમો ખાતે જરૂરિયાત મુજબ વહેંચવામાં આવી છે.પોલીસ વિભાગમાં ડ્રાઈવર કોન્સ્ટેબલોની નવી જગ્યાઓ મંજૂર થવાથી રાજ્ય પોલીસનું વાહન વ્યવહાર નેટવર્ક વધુ સક્ષમ બનશે. આ ભરતી થકી પેટ્રોલીંગ, ઈમરજન્સી રિસ્પોન્સ અને ગુનાખોરી નિયંત્રણ માટે જરૂરી વાહનો ઉપલબ્ધ રાખવામાં મોટો સપોર્ટ મળશે.

