રીપોર્ટ@ગુજરાત: સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી અધિકારી સામે સીધી રીતે FIR નોંધાશે નહીં

 
ભુપેન્દ્ર પટલ
વહીવટી ક્ષેત્રે આ નિર્ણય હકારાત્મક પગલું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કરવામાં આવતી પાયાવિહોણી ફરિયાદો અને માનસિક હેરાનગતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કોઈપણ સરકારી અધિકારી વિરુદ્ધ સીધી રીતે એફઆઈઆર નોંધાશે નહીં. કોઈપણ ગુનાની નોંધણી પહેલાં ફરજિયાત પ્રાથમિક ચકાસણી કરવાની રહેશે. આ નિર્ણયને વહીવટી તંત્ર માટે એક પ્રકારની 'રક્ષણાત્મક ઢાલ' તરીકે જોવામાં આવી રહ્યો છે.છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે વહીવટી નિર્ણયો, જમીન-મકાનના વિવાદો, લાયસન્સ પ્રક્રિયા અથવા અંગત અદાવતના કારણે સરકારી અધિકારીઓ સામે ખોટી ફરિયાદો કરવામાં આવે છે.

ઘણીવાર માત્ર ફરિયાદના આધારે જ એફઆઈઆર નોંધાતી હોવાના કારણે પ્રામાણિક અધિકારીઓને લાંબી તપાસ, બદનામી અને માનસિક દબાણનો સામનો કરવો પડતો હતો. ગૃહ વિભાગે આ સ્થિતિને ગંભીર ગણાવીને નવો પરિપત્ર જારી કર્યો છે.આ નિયમ મુજબ, જો કોઈ પોલીસ સ્ટેશનમાં સરકારી અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ફરિયાદ આવે, તો તરત ગુનો નોંધવામાં નહીં આવે. પહેલા ફરિયાદની સત્યતા અને પરિસ્થિતિની પ્રાથમિક તપાસ કરવામાં આવશે. ખાસ કરીને ભ્રષ્ટાચાર, સત્તાના દુરુપયોગ અથવા ગંભીર આક્ષેપોના કેસમાં, તપાસ શરૂ કરતા પહેલાં સંબંધિત વિભાગના વડા અથવા સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આ પરિપત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખોટી ઓળખ, નનામી અરજી અથવા પુરાવા વગર કરવામાં આવેલી ફરિયાદોને હવે સીધી રીતે રદ કરવામાં આવશે.

સાથે જ પ્રાથમિક તપાસ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી ફરિયાદ વર્ષો સુધી લટકતી ન રહે અને નિર્દોષ અધિકારીઓને બિનજરૂરી તપાસનો સામનો ન કરવો પડે.વહીવટી ક્ષેત્રે આ નિર્ણયને હકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે. અધિકારીઓ હવે ડર અને દબાણ વગર નીતિવિષયક નિર્ણયો લઈ શકશે, જેના કારણે સરકારની યોજનાઓના અમલમાં ઝડપ આવશે. વહીવટી સૂત્રોનું માનવું છે કે આ નિર્ણયથી 'ડિસિઝન પેરાલિસિસ'ની સ્થિતિ ઘટશે, જેમાં અધિકારીઓ ફરિયાદના ભયથી મહત્વપૂર્ણ નિર્ણય લેતા અટકતા હતા.