રિપોર્ટ@ગુજરાત: ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, 2 લાખથી વધુ ખેડૂતોને મોટી રાહત

 
ભુપેન્દ્ર પટેલ

અંદાજિત રૂપિયા 1,500 કરોડનો મોટો આર્થિક ફાયદો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વર્ષ 2007-08 થી 2014-15 દરમિયાન ખાંડ મંડળીઓએ શેરડી પકવતા ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોને રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓને અંદાજિત રૂપિયા 1,500 કરોડનો મોટો આર્થિક ફાયદો થશે, જેનો સીધો લાભ બે લાખથી વધુ ખેડૂતોને થશે.

રાજ્ય સરકાર સહકારી ક્ષેત્ર અને ખેડૂતોના હિતોની સુરક્ષા માટે સંપૂર્ણ કટિબદ્ધ હોવાનું જણાવતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ હાલમાં બે લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતોને સીધી ચૂકવણી કરીને ખેડૂતોના આર્થિક સશક્તિકરણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય સહકારમંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખાંડ સહકારી મંડળીઓ અને ખેડૂતો વતી આભાર વ્યક્ત કરતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું કે દેશની ખાંડ મંડળીઓ સામાન્ય રીતે શેરડી પકવતા ખેડૂતોને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા એફઆરપી મુજબના ભાવો ચુકવતી હોય છે.

ગુજરાત સરકારે એક અકાદમ આગળ વધીને ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓ કે જે માત્ર ખાંડ જ નહીં પરંતુ મોલાસીસ ઇથેનોલ અને કોઓજનરેશન દ્વારા વીજ ઉત્પાદન સહિતના વિવિધ બાય પ્રોડક્ટસ માંથી પ્રાપ્ત થતી આવકનો મહત્તમ લાભ પણ ખેડૂતો સુધી પહોંચાડ્યો છે. જેના પરિણામે ગુજરાતના શેરડી ઉત્પાદક ખેડૂતોને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ હમેશા વધુ ભાવ પ્રાપ્ત થયા છે.

કેન્દ્રીય સહકાર મંત્રાલય કરેલા આ સુધારાના અનુસંધાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય કક્ષાએ ભલામણો કરવા માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી આ સમિતિએ આપેલા અહેવાલ અને ભલામણોને હકારાત્મક પ્રતિસાદ આપતા ગુજરાત સરકારે ખાંડ સહકારી મજૂરીઓ દ્વારા ઉપરોક્ત સમય દરમિયાન ખેડૂતોને ચુકવાયેલા શેરડીના ભાવોને સત્તાવાર મંજૂરી આપવાનો ક્રાંતિકારી ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.

ભૂતકાળમાં ઇન્કમટેક્સ વિભાગે એફઆરપી થી વધુ ચૂકવાયેલા ભાવોને નફો ગણીને ગુજરાતની વિવિધ ખાંડ સહકારી મંડળીઓને ટેક્સની ડિમાન્ડ નોટિસ પાઠવી હતી 2007-8 થી 2014-15 ના સમયગાળાને લગતી જટીલ આ મુદ્દે રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ ઉપર અંદાજે 1500 કરોડ જેટલો આર્થિક બોજો આવવાની સ્થિતિ સર્જાઈ હતી.